ચીનને ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખાની નજીક પૂર્વ લડાખમાં હોટ સ્પ્રિન્ગ્સ ખાતે ત્રણ મોબાઇલ ટાવર્સ ઊભા કર્યા છે, એમ સ્થાનિક કાઉન્સિલર કોન્ચોક સ્ટેનઝિને રવિવારે જણાવ્યું હતું.
લડાખના ચુશુલના કાઉન્સિલરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પેંગોગ સરોવર પર બ્રિજનું નિર્માણ કર્યા બાદ ચીને ભારતીય સરહદની નજીક ચીનના હોટ સ્પ્રિન્સમાં ત્રણ મોબાઇલ ટાવર ઊભા કર્યા છે. આ ચિંતાજનક નથી? અમને માનવ વસતિ ધરાવતા ગામડામાં ફોરજી સર્વિસ મળતી નથી. મારા મતવિસ્તારના 11 ગામડામાં ફોરજી સુવિધા નથી.
પેંગોંગ સરોવર પર ચીન દ્વારા નિર્માણ કરવામાં આવેલી રહેલા બ્રિજના મુદ્દે ભારતે જાન્યુઆરીમાં જોરદાર વિરોધ કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
તે સમયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે સરકાર આ ગતિવિધિ પર ચાંપતી દેખરેખ રાખી રહી છે. આ બ્રિજનું નિર્માણ એવા વિસ્તારમાં કર્યું છે કે જેને 60 વર્ષ પહેલા ચીન ગેરકાયદે હડપ કરી લીધો હતો. ભારતે આ વિસ્તાર પર ચીનના કબજાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. આ બ્રિજ પેંગોગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કાંઠાને જોડે છે. આ બ્રિજથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ઝડપથી બંને દિશામાં મુવમેન્ટ કરી શકશે. ભારત અને ચીન વચ્ચે છેલ્લાં બે વર્ષથી સરહદ પર વિવાદ ઊભો થયો છે.