વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ચીને સોમવારે ઐતિહાસિક નિર્ણય લઈને હવે દંપતિને ત્રણ બાળકો પેદા કરવાની છૂટ આપી છે. પહેલા ચીનમાં ફક્ત 2 બાળકો પેદા કરવાની પરવાનગી હતી. ચીનની કુલ વસતીમાં વૃદ્ધ લોકોના પ્રમાણમાં વધારાને પગલે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. ચીનમાં જન્મદરમાં પણ નાટકીય ઘટાડો થયો છે. ચીને 1979માં સત્તાવાર રીતે વિવાદાસ્પદ વન ચાઇલ્ડ પોલિસી અમલી બનાવી હતી.
ચીને 2016માં દાયકાઓ જૂની એક બાળકની નીતિ દૂર કરીને બે બાળકોને મંજૂરી આપી હતી. ચીનના મીડિયાના જણાવ્યા પ્રમાણે નવી પોલિસીને ચીના પ્રેસિડન્ટ જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. ચીને તાજેતરમાં જ પોતાની જનસંખ્યાના આંકડાઓ જાહેર કર્યા હતા. તેના પ્રમાણે ગયા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની ગતિની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી
આંકડાઓ પ્રમાણે 2010થી 2020ની વચ્ચે ચીનમાં વસતિ વધારાનો દર 0.53 ટકા હતો, જ્યારે વર્ષ 2000થી 2010ની વચ્ચે આ દર 0.57 ટકા થયો હતો. એટલે કે ગત 2 દાયકાઓમાં ચીનમાં વસતિ વધવાની ઝડપ ઓછી થઈ ગઈ છે. વર્ષ 2020માં ચીનમાં ફક્ત 12 મિલિયન બાળકો પેદા થયા, જ્યારે 2016માં આ આંકડો 18 મિલિયન હતો.