ગુજરાતમાં 3 જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાન ચાલુ થશે. ગુજરાત સરકારે સ્કૂલોમાં ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ ૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ ૨૦૦૭ કે તે પહેલા જન્મેલા બાળકો રસી લેવાને પાત્ર ગણાશે.
૧૫થી૧૮ વર્ષના બાળકોને સ્કૂલોમાં જ રસી આપવામા આવશે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાંથી જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી કઈ કઈ સ્કૂલમાં કયા ધોરણના કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે તેનો ડેટા પણ મંગાવી લીધો છે. સમગ્ર રાજ્યમાં આશરે ૨૬ લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામા આવશે. અમદાવાદ જિલ્લામાં ૨.૨૨ લાખ વિદ્યાર્થીઓને રસી અપાશે, જેમાં અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી૧૨માં ભણતા અને ૧૫થી૧૮ વર્ષ સુધીના ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોના ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ છે. સરકાર વાઈબ્રન્ટ સમીટ પહેલા જ સ્કૂલોના ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનુ પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થઈ જાય તેવુ ઈચ્છી રહી છે.