ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોના રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો.. તેમણે ગાંધીનગર જિલ્લામાં કોબામાં આવેલી સ્કૂલમાં સવારે અભિયાનનો પ્રારંભ કરાવ્યા પછી બાળકોના રસીકરણ સેન્ટર પર લાઈનો લાગી રહી હતી.
રાજ્યમાં 15-18 વર્ષની વચ્ચે આવતા બાળકોની સંખ્યા લગભગ 30 લાખ જેટલી થતી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસની સંખ્યા વધતા બાળકોને રસી મળે તેવી વ્યવસ્થા કરવા માટે લાંબા સમયથી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. કારણ કે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ આવતી હોવાથી પણ બાળકોના વાલીઓ તેમના આરોગ્યને લઈને ચિંતત રહેતા હતા.
ગુજરાત સરકારે સ્કૂલોમાં ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ ૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ ૨૦૦૭ કે તે પહેલા જન્મેલા બાળકો રસી લેવાને પાત્ર ગણાશે.
૧૫થી૧૮ વર્ષના બાળકોને સ્કૂલોમાં જ રસી આપવામા આવશે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાંથી જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી કઈ કઈ સ્કૂલમાં કયા ધોરણના કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે તેનો ડેટા પણ મંગાવી લીધો છે. સમગ્ર રાજ્યમાં આશરે 30 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામા આવશે. અમદાવાદ જિલ્લામાં ૨.૨૨ લાખ વિદ્યાર્થીઓને રસી અપાશે, જેમાં અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી૧૨માં ભણતા અને ૧૫થી૧૮ વર્ષ સુધીના ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોના ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ છે. સરકાર વાઈબ્રન્ટ સમીટ પહેલા જ સ્કૂલોના ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનુ પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થઈ જાય તેવુ ઈચ્છી રહી છે.