ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી મેળવવી અને તેનું વિતરણ કરવા બદલ આયોવામાં રહેતા ભારતીય મૂળના 30 વર્ષના સમીર ચંદુલાલ પટેલને શુક્રવાર, 28 ઓક્ટોબર, 2022એ 210 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલની સજાને પગલે અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં ન આવે તો પટેલને પાંચ વર્ષની દેખરેખ હેઠળની મુક્તિનો આદેશ અપાયો હતો.
કોર્ટના દસ્તાવેજો અનુસાર સોશિયલ મીડિયા એપ્લિકેશનમાંથી એક સાયબરટિપ મળી હતી, જે દર્શાવતી હતી કે તેમની સાઇટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરવામાં આવી છે. વધુ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ 2016 થી 2021 સુધીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ધરાવતી 18,000થી વધુ ઇમેજ અને 14,000થી વધુ વીડિયોની પ્રાપ્તિ અને વિતરણ કર્યું હતું. 17 જૂન, 2022એ આરોપીને આ આરોપ માટે દોષી ઠેરવ્યો હતો.
આયોવાના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની રિચાર્ડ ડી. વેસ્ટફાલે આ અંગેની જાહેરાત કરી હતી. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને યુનિવર્સિટી ઓફ આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ આ કેસની તપાસ કરી હતી.
આ કેસની સુનાવણી યુનાઇટેડ સ્ટેટ્સ એટર્નીની ઓફિસ ફોર ધ સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ આયોવાએ યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની “પ્રોજેક્ટ સેફ ચાઇલ્ડહૂડ” કાર્યક્રમના ભાગરૂપે કરી હતી. 2006માં બાળકોના જાતીય શોષણની ઘટનાઓને ઘટાડવા રાષ્ટ્રવ્યાપી પ્રયાસ તરીકે આ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો.