બાળકોના અશ્લીલ વીડિયો બનાવીને તેને શેર કરવાના કેસમાં સીબીઆઇએ મંગળવારે ગુજરાત સહિતના રાજ્યોના 76 સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા હતા. સીબીઆઇના પ્રવક્તા આર સી જોશીએ જણાવ્યું હતું કે આજે સવારે દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 76 શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસોમાં 14 નવેમ્બરે 83 આરોપીઓ સામે 23 નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આજે સવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર લોકોના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે મધ્યપ્રદેશમાં 3 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
નેશનલ ક્રાઇમ રિકોર્ડસ બ્યૂરો (NCRB)ના 2020ના ડેટા મુજબ બાળકો સામેના સાઇબર પોર્નોગ્રાફીના સૌથી વધુ 161 કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાયા હતા. ઉપરાંત મહારાષ્ટ્રમાં 123, કર્ણાટકમાં 122 અને કેરળમાં 101 કેસ નોંધવામાં આવ્યા હતા. ઓડિશામાં 71, તમિલનાડુમાં 28, અસમમાં 21, મધ્યપ્રદેશમાં 20, હિમાચલપ્રદેશમાં 17, હરિયાણામાં 16, આંધ્રપ્રદેશમાં 15, પંજાબમાં 8 અને રાજસ્થાનમાં આવા 6 કેસ નોંધાયા હતા. આમાંથી કેરળ અને કર્ણાટકને બાદ કરતા તમામ રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત અને દિલ્હીમાં પણ સીબીઆઇએ તપાસ હાથ ધરી હતી.
નેશનલ ક્રાઇમ રિકોર્ડસ બ્યૂરોએ તાજેતરમાં જારી કરેલા આંકડા મુજબ બાળકો સામે સાઇબર ગુનામાં 2019ની સરખામણીમાં 2020માં 400 ટકાનો વધારો થયો હતો. આમાંથી મોટા ભાગના કેસોમાં અશ્લીલ કૃત્યોમાં બાળકોને દર્શાવતી સામગ્રીના પ્રકાશન અને પ્રસારણ સંબંધિત છે. 2015માં સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ કેન્દ્ર સરકારે 850 પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનો વિરોધ થયો હતો.તેથી સરકારે તેની સ્પષ્ટતા કરી હતી. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તત્કાલિન ચીફ જસ્ટિસ એલ એચ દત્તુના વડપણ હેઠળની ખંડપીઠને જણાવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ એકાંતમાં પોર્નોગ્રાફી જોવા માગે તો તેના પર કોઇ બાન નથી. ઇન્ટરનેટના આ યુગમાં તમામ પોર્ન સાઇટ પર પ્રતિબંધ મૂકવાનુ શક્ય નથી. આપણે કોઇના બેડરૂમમાં ડોકિયું કરી શકીએ નહી. નિષ્ણાતો જણાવે છે કે પોર્ટ સાઇટ સાથે જોડાયેલા તમામ સર્વર બ્લોક કરવાનું શક્ય નથી.