દેશની આઝાદીના 75 વર્ષ થયા હોવા છતાં બાળલગ્નોના દૂષણમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ 2020ના વર્ષમાં અગાઉના વર્ષની સરખામણીમાં દેશમાં બાળલગ્નના કેસોમાં આશરે 50 ટકાનો ચિંતાજનક વધારો થયો હતો. જોકે નિષ્ણાતો જણાવે છે કે આનો માત્ર અર્થ એવો નથી કે બાળલગ્નની ઘટનામાં વધારો થયો છે, પરંતુ તેનો અર્થ એવો પણ છે કે બાળલગ્નની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હોય તેવા કિસ્સામાં પણ વધારો થયો છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટા મુજબ વર્ષ 2020માં બાળલગ્ન નિવારણ ધારા હેઠળ કુલ 785 કેસ નોંધાયા હતા. બાળલગ્નના સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. કર્ણાટકમાં બાળલગ્નના 184, આસામમાં 138, પશ્ચિમ બંગાળમાં 98, તમિલનાડુમનાં 77 અને તેલંગણામાં 62 કેસ નોંધાયા હતા.
આની સામે 2019માં 523 કેસ અને 2018માં 501 કેસ નોંધાયા હતા. 2018માં બાળલગ્નના 501, 2017માં 395, 2016માં 326 અને 2015માં 293 કેસ નોંધાયા હતા.
ભારતના કાયદા મુજબ જો યુવતિ 18 વર્ષથી ઓછી ઉંમરની હોય અથવા યુવક 21 વર્ષથી નાની ઉંમરનો હોય અને લગ્ન થાય તો તેને બાળલગ્ન ગણવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાળલગ્નના કેસોમાં આ વધારાનો અર્થ માત્ર એવો નથી કે આવા લગ્નોમાં ઉછાળો આવ્યો છે. આનો અર્થ એવો પણ થાય છે કે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોય તેવા બાળલગ્નના કેસ વધ્યાં છે. ઘણા કેસો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી.
એનજીઓ સંજોગના સ્થાપક સભ્ય રૂપ સેને જણાવ્યું હતું કે બાળલગ્નની ઘટનામાં વધારા માટે સંખ્યાબંધ પરિબળો કારણભૂત છે. તે બાળલગ્નોની સંખ્યા અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા આવા કેસની સંખ્યા એમ બંનેમાં વધારો દર્શાવે છે. સગીર યુવતી પ્રેમમાં પડીને ભાગીને લગ્ન કરે તેવા કેસોમાં પણ વધારો થયો છે. તેનાથી પણ બાળલગ્નોની સંખ્યા વધી છે. તેમણે જણાવ્યું હતું કે સગીર યુવક યુવતીના સંખ્યાબંધ કેસોમાં પોસ્કો લાગુ કરવામાં આવ્યો છે.
કલકતા હાઇ કોર્ટના એડવોકેટ કૌશિક ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો, ડીએમ, સ્થાનિક પંચાયતો બાળલગ્નના ઘટનાઓ પ્રત્યે વધુ સાવધ બન્યાં છે. તેમણે જણાવ્યું હતું કે “મને લાગતું નથી કે બાળલગ્નમાં ક્રમિક વધારો થઈ રહ્યો છે, પરંતુ લાગે છે કે આવા પોલીસ કેસોમાં વધારો થઈ રહ્યો છે. વધુ મહત્ત્વનું એ છે કે રાજ્ય સરકારો, ડીએમ, સ્થાનિક પંચાયતો બાળલગ્નના ઘટનાઓ સામે વધુ સાવધ બન્યાં છે, તેથી પોલીસ કેસોમાં વધારો થયો છે. વહીવટીતંત્ર આવા કેસ અટકાવાની તેમની કાર્યક્ષમતા દર્શાવવા માગે છે અને આખરે જાહેર કરે છે કે કેટલાં બાળલગ્નો અટકાવ્યા. ”