બ્રિટિશ પાકિસ્તાની ચાઇલ્ડ એબ્યુઝ ગેંગ પર સુએલા બ્રેવરમેનનો હુમલો
વડા પ્રધાન ઋષિ સુનકે બાળકો અને યુવતીઓને એબ્યુઝથી બચાવવા માટેના નવા પગલાઓનું અનાવરણ કરતા વચન આપ્યું છે કે “પોલિટીકલ કરેક્ટનેસ” ચાઇલ્ડ ગૃમીંગ કરતી ગેંગ પરના ક્રેકડાઉનને રોકી શકશે નહીં. ધિક્કારપાત્ર ગુનેગારોની ચુંગાલમાંથી છોડાવીને ન્યાય અપાવવા માટે નિષ્ણાત અધિકારીઓ અને પોલીસ દળોને બાળ જાતીય શોષણ અને એબ્યુઝની તપાસમાં મદદ કરાશે. ગૃમીંગ ગેંગના સભ્યો અને તેમના આગેવાનોને શક્ય તેટલી સખત સજા મળે તે માટે બનતા બધા પ્રયાસ કરાશે. મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા સર્વોપરી છે. આ ખતરનાક ગેંગને બહાર કાઢવા માટે અમે કંઈપણ રોકીશું નહીં. ’’
બીજી તરફ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને બાળકોનુ જાતીય શોષણ કરતા અપરાધીઓની સત્તાવાળાઓને જાણ કરવા માટે લોકોની નવી કાનૂની ફરજ માટેની તેમની યોજનાઓનું રવિવારે તા. 2ના રોજ અનાવરણ કર્યું હતું. તેમણે આવા ગુનાઓ પાછળ બ્રિટિશ પાકિસ્તાની પુરુષોની ગેંગ બાબતે મૌન ધારણ કરવાના કલ્ચર પર હુમલો કર્યો હતો.
શ્રી સુનકે ઉમેર્યું હતું કે ‘’જ્યારે ગ્રુમીંગ ગેંગની વાત આવે છે, ત્યારે રોશડેલ, રોધરહામ અને ટેલફર્ડના બનાવો બતાવે છે કે પીડિતોની ફરિયાદો અને તપાસને વારંવાર અવગણવામાં આવી હતી કારણ કે લોકો “સાંસ્કૃતિક રીતે અસંવેદનશીલ અથવા પોલિટીકલી કરેક્ટનેસનું કારણ” બનવા માંગતા ન હતા.’’
સમગ્ર ઇંગ્લેન્ડમાં પોલીસ દળોને “નિર્ણાયક સમર્થન” આપવા માટે ગૃમીંગ ગેંગની તપાસનો “વ્યાપક અનુભવ” ધરાવતા અધિકારીઓનો એક નવી ટાસ્કફોર્સ બનાવવામાં આવશે. આ માટે સરકાર સરકાર કાયદો ઘડશે જે ન્યાયાધીશોને સખત સજાઓ આપવા માટે પરવાનગી આપશે.
દસ વર્ષ પહેલાં, પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટર પદેથી રાજીનામું આપનાર લેબર નેતા સર કેર સ્ટાર્મરે સરકાર પર આરોપ મૂકી ભોગ બનેલા પીડિતો પર થેયલા બાળ દુર્વ્યવહારના આરોપો અંગે પોલીસને ચેતવણી આપવામાં નિષ્ફળ રહેવા બદલ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.
હોમ સેક્રેટરી બ્રેવરમેને બીબીસીને કહ્યું હતું કે “ઇંગ્લેન્ડ માટે નવો ફરજિયાત રિપોર્ટિંગ કાયદો આવા ગુનેગારોને નિશાન બનાવશે. આ ગુનેગારો, લગભગ તમામ બ્રિટિશ પાકિસ્તાનીઓ બ્રિટિશ મૂલ્યો સાથે સંપૂર્ણપણે અસંગત સાંસ્કૃતિક વલણ ધરાવે છે. તેમની પ્રવૃત્તિઓ એક ખુલ્લું રહસ્ય હોવા છતાં, તેમને તેમના સમુદાયોમાં અને વ્યાપક સમાજ દ્વારા રેસીસ્ટ કહેવાશે તેવા ડરથી પડકાર્યા વિના છોડી દેવાયા છે. ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવ્યા છે. નવી નીતિ હેઠળ, શિક્ષકો અને સોસ્યલ વર્કર્સ સહિતના લોકો માટે સ્પષ્ટ કરાશે કે તેઓ કોઈ પણ સંવેદનશીલ જૂથો અને બાળકો સાથે રક્ષણની ભૂમિકામાં કામ કરે. તેઓ નિષ્ક્રિયતા દાખવી દૂર થઈ શકતા નથી. અમે જોયું છે કે સંવેદનશીલ, કેરમાં કે પડકારજનક સંજોગોમાં હોય તેવી શ્વેત, ઇંગ્લિશ છોકરીઓનો ચાઇલ્ડ એબ્યુઝ ગેંગ, રીંગ્સ કે નેટવર્કમાં કામ કરતા બ્રિટિશ પાકિસ્તાની ગેંગ દ્વારા પીછો કરી બળાત્કાર કરવામાં આવે છે. તેમને ડ્રગ્સ આપી નુકસાન પહોંચાડવામાં આવે છે.’’
તેમણે ‘સ્કાય ન્યૂઝ’ને કહ્યું હતું કે “અમે સંસ્થાઓ અને સ્ટેટ એજન્સીઓને જોઇ છે. પછી ભલે તે સોસ્યલ વર્કર્સ, શિક્ષકો, કે પોલીસના રૂપમાં હોય પણ આ એબ્યુઝના સંકેતો તરફ પોલિટીકલ કરેક્ટનેસ, ડર, રેસીસ્ટ હોવાના આક્ષેપ, કે ધર્માંધ કહેવાના કારણે આંખ આડા કાન કરે છે. હું કહું છું કે બ્રિટિશ પાકિસ્તાની પુરુષોના સાંસ્કૃતિક મૂલ્યો બ્રિટિશ મૂલ્યો સાથે સંપૂર્ણપણે વિરોધાભાસી છે”.