મનોરંજન ઉદ્યોગમાં બાળ કલાકારોની સુરક્ષા માટે માર્ગરેખાનો મુસદ્દો જારી કરાયો છે. આ ગાઇડલાઇન મુજબ કોઇ સગીર પાસેથી સતત 27 દિવસથી વધુ સમય માટે કામ કરાવી શકાશે નહીં. બાળકની 20 ટકા આવકની રકમમાંથી ફિક્સ્ડ ડિપોઝિટ કરવાની રહેશે. મનોરંજન ઉદ્યોગમાં બાળકોની ભાગીદારી માટેની નિમયનકારી ગાઇડલાઇનમાં રિયાલિટી શો, ટીવી સિરિયલ, ન્યૂઝ અને માહિતીપ્રદ મીડિયા, ફિલ્મો, ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, પફોર્મિંગ આર્ટ, જાહેરખબર સહિત ટીવી પ્રોગ્રામોને આવરી લેવામાં આવ્યા છે.
ગાઇડલાઇનનો મુસદ્દો બાળઅધિકાર રક્ષણ માટેના રાષ્ટ્રીય પંચ (NCPCR)એ જારી કર્યો છે. તેનો હેતુ બાળ કલાકારો માટે કામગીરીનું તંદુરસ્ત વાતાવરણ સુનિશ્ચિત કરીને બાળકોને શારીરિક અને માનસિક તણાવ સામે રક્ષણ આપવાનો છે.
આ ગાઇડલાઇન મુજબ નિર્માતાએ જે જગ્યાએ શુટિંગ થતું હશે ત્યાંના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવાની રહેશે તથા બાળ કલાકારોનું શોષણ કે સતામણી ન થાય તે માટે લેવામાં આવેલા પગલાંનું ડિસ્ક્લેમર મૂકવાનું રહેશે. બાળ કલાકાર દરરોજ એક એક શિફ્ટમાં કામ કરી શકશે. દર ત્રણ કલાકે વિરામ આપવો પડશે. બાળ કલાકરો પાસેથી વેઠિયા મજૂરી પ્રણાલી (નાબૂદી) ધારા 1976 હેઠળ વેઠિયા મજૂર તરીકે કોઇપણ સેવા લેવા માટે સમજૂતી કરી શકાશે નહીં.
નિર્માતાએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે શૂટિંગમાં જોડાયેલા બાળકોના શાળાના અભ્યાસને અસર ન થાય. શૂટિંગને કારણે સ્કૂલમાં ગેરહાજર રહેતા બાળકોને નિર્માતાએ નિમણૂક કરેલા શિક્ષક પાસે ભણાવવાના રહેશે. આ ઉપરાંત બાળ કલાકારની ઓછામાં ઓછી 20 ટકા રકમ બાળકના નામે રાષ્ટ્રીયકૃત બેન્કમાં સીધી એફડી કરવાની રહેશે. આ રકમ બાળક પુખ્ત વયનું થાય ત્યારે તેના ખાતામાં જમા થશે.
અયોગ્ય કે તણાવ ઊભો કરતી સ્થિતિ કે ભૂમિકામાં બાળ કલાકરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. બાળ કલાકારોની ઉંમર, પુખ્તતા, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક વિકાસ અને સંવેદનશીલતાને પણ ધ્યાનમાં લેવા પડશે. પ્રોડક્શન યુનિટોએ કામગીરીનું વાતાવરણ સુરક્ષિત રાખવું પડશે. બાળકોને નુકસાનકાર લાઇટિંગ કે કોસ્મેટિક્સથી દૂર રાખવા પડશે. બાળકો માટે તેમની વયને ધ્યાનમાં રાખીને સુવિધા ઊભી કરવી પડશે. પુખ્તવયના લોકો ઉપયોગ કરતાં હોય તેવા ડ્રેસિંગ રૂમમાં બાળકોને સુવિધા આપી શકાશે નહીં. બાળકોને દારુ, ધુમ્રપાન, અસામાજિક પ્રવૃત્તિ અને અશોભનીય દ્રશ્યોમાં ઉપયોગ કરી શકાશે નહીં.