સગીરવયની બાળકીઓનું જાતીય શોષણ કરવાના આરોપમાં કેન્ટનના એક ગુજરાતી શખ્સને 228 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે, તેવી જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ડોન આઇસને કરી છે.
આ જાહેરાત કરવામાં ડેટ્રોઇટ ડિવિઝનમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશનના એક્ટિંગ સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ જોશ પી હોક્સહર્સ્ટની સાથે આઇસોન પણ સાથે હતા.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જ્યોર્જ સ્ટીહે 54 વર્ષીય શૈલેષ પટેલને તેના ગુના માટે આ સજાની સાથે 50 હજાર ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના રેકોર્ડ્ઝ અનુસાર શૈલેષ પટેલે સ્વીકાર્યું હતું કે, તેણે અંદાજે વર્ષ 2010માં એક પ્રસંગે 10 વર્ષીય બાળકીને પોતાનો સેલ્યુલર ફોન આપીને તેનો વીડિયો બનાવવા જણાવ્યું હતું. તેણે આ વીડિયોનો ઉપયોગ બાળ અશ્લીલતા માટે કર્યો હતો. આ સગીર પીડિતાના અંદાજ મુજબ આવું લગભગ 30 પ્રસંગોમાં થયું હતું. શેલૈષ પટેલે આ પીડિતા અને અન્ય લોકો સાથે વર્ષો સુધી દુર્વ્યવહાર કર્યો હતો. આ પીડિતાએ જણાવ્યું હતું કે, તેને આ દુષ્કર્મનો ભાર તેના બાકીના જીવન સુધી લાગશે, આ પીડા મારા નજીકના પરિવારજનો અને મિત્રો પણ અનુભવશે.
યુએસ એટર્નીએ જણાવ્યું હતું કે, પોતાના શારીરિક શોષણની કહાની જણાવવા આગળ આવીને પીડિતાએ ખૂબ જ હિંમતનું કામ કર્યું છે, જેથી પટેલના કૃત્યને અટકાવી શકાયું અને ભવિષ્યની પીડિતાઓને પણ અટકાવી શકાશે.
થર્ડ જ્યુડિશિયલ સર્કિટ કોર્ટમાં શૈલેશ પટેલને પ્રથમ-ડિગ્રીના ગુનાઇત જાતીય કૃત્યના આરોપમાં 15થી 35 વર્ષની જેલ, બીજી-ડિગ્રીના બે ગુનાઇત જાતીય કૃત્યના આરોપમાં 9થી 15 વર્ષની અને ચોથી ડિગ્રીના જાતીય કૃત્ય માટે દોષિત ઠેરવ્યો છે. આ આરોપોમાં વધારો કરતા બે સગીરા પીડિતોનો પણ સમાવેશ થાય છે, જેમાંથી એક ફેડરલ કેસ જેવી જ પીડિતા છે. આ આરોપોમાં તેને સજા થવાની બાકી છે.