એક્સક્લુઝીવ

  • બાર્ની ચૌધરી દ્વારા

સરકાર, પોલીસ અને કાઉન્સિલો છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થઇ રહેલા હજારો સાઉથ એશિયન બાળકોના જાતીય શોષણને રોકવામાં નિષ્ફળ રહી છે. ભૂતપૂર્વ ચિફ ક્રાઉન પ્રોસીક્યુટર, સાંસદો, ચેરિટીઝ અને પીડિતોના કમિશનરે પણ અમારા તારણોને આવકારી સંમત થયા છે કે સત્તાવાળાઓએ ભોગ બનેલા લોકોને તેમના હાલ પર છોડી દીધા છે. 11 મહિનાની તપાસ પછી હવે અમને જાણવા મળ્યું છે કે હોમ ઑફિસે તાજેતરમાં જ પોલીસ ફોર્સને ગુનેગારોની જાતિ નોંધવા માટે કહેવાનું નક્કી કર્યું છે.

ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને, અમે 50 કાઉન્સિલ અને 13 પોલીસ ફોર્સીસને પૂછ્યું હતું કે તેઓ જાતીય શોષણના પીડિતો અને ગુનેગારો બંને માટેના આંકડાનો કેવી રીતે સંગ્રહ કરે છે. જેમાં અમને જાણવા મળ્યું હતું કે બધા ફોર્સીસ અને તમામ સ્થાનિક અધિકારીઓ વિવિધ વંશીય જૂથો સહિતના ડેટાને અલગ રીતે એકત્રિત કરે છે. તો કેટલાકે જણાવ્યું હતું કે ભોગ બનનારા લોકોની સંખ્યા હજારોમાં હોવાથી આ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં ખૂબ સમય લાગે છે. ગરવી ગુજરાતે શોધ્યું હતું કે આઘાતજનક રીતે પોલીસ ફોર્સીસ ભોગ બનેલા લોકોનું તેમની જાતી મુજબ વર્ગીકરણ કરે તેવી અપેક્ષા હોમ ઑફિસ રાખતી નથી.

સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ (સીએસજે) ગ્રુમીંગ ગેંગની ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ ઇન્કવાયરીના કમિશનર નઝીર અફઝલે ચેતવણી આપી હતી કે, “આ એ રોગચાળો છે જે કોવિડ રોગચાળા કરતા વધુ સમય ચાલવાનો છે, તે માટે સરકારની કાર્યવાહીની જરૂર છે. જે માટે તેઓ વિલંબ કરે છે. કેમ કે તે તો ચાલુ જ રહેવાનુ છે. બાળકો અને તેમના વિશ્વાસનું દર કલાકે શોષણ કરવામાં આવે છે.”

ભૂતપૂર્વ હોમ સેક્રેટરી અને ચાન્સેલર, સાજિદ જાવિદની અધ્યક્ષતામાં સીએસજે અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે ‘’આ દેશમાં બાળ યૌન શોષણ એ રોગચાળા કરતા ઓછું નથી.

નઝીર અફઝલે જણાવ્યું હતું કે “કોઈક ક્યાંક કોઈ બાળકનું શોષણ કરે છે તે તમને જેટલું ભયાનક લાગે છે તેટલું જ મને લાગે છે અને તે સૌને લાગે છે જેમનામાં નૈતિકતાની ભાવના છે અને તેમના સાથી નાગરિકો માટે સ્નેહની ભાવના છે. રોશડેલ, ઑક્સફર્ડ અને હડર્સફિલ્ડમાં સાઉથ એશિયન પીડોફાઇલ ગેંગના ઘટસ્ફોટ પછી અધિકારીઓએ ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પરંતુ કેટલાક સમયથી અધિકારીઓએ ‘’બોલ પરથી તેમની નજર હટાવી’’ લીધી હતી. ઘણી વખત લોકો આળસુ બની જાય છે અને વિચારે છે કે તે તેમના પોતાના કરતાં કોઈ બીજાનું કામ છે. પરિણામે હું મારા અનુભવથી જાણું છું, પીડિતોને મળવો જોઇએ તે ન્યાય મળતો નથી.’’

અફઝલે જણાવ્યું હતું કે “જો તેઓ એમ કહે કે જુઓ, અમારો ડેટા કહે છે કે ગયા વર્ષે ભાગ્યે જ કોઈ કેસ થયા હતા, તો પછી ઓથોરીટી, પોલીસ, સોશ્યલ સર્વિસ માટે પણ કહેવું ખૂબ જ સરળ બનશે કે આપણને અમૂક વકીલો, બેરિસ્ટર કે પોલીસ અધિકારીઓની જરૂર પડશે. સંસાધનો તમારા ડેટાને અનુસરે છે, અને જો તમારો ડેટા અધૂરો છે, તો પછી તમારા સંસાધનો અપૂર્ણ રહેશે, અને તેનો અર્થ એ કે પીડિતોને તેમની લાયક સેવાઓ મળશે નહીં.”

વિક્ટીમ કમિશનર, વેરા બેર્ડે, ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, ‘’મારી ઑફિસ હાલમાં ઇક્વાલીટી કમિશન (EHRC) સાથે કામ કરી રહી છે અને અધિકારીઓ ડેટા કેવી રીતે મેળવે છે અને ઉપયોગ કરે છે તેની તપાસ કરે છે. યોગ્ય ડેટા સંગ્રહ, મેપિંગ અને વિશ્લેષણ વિના, બાળ શોષણથી બચેલા લોકોને મદદ કરતા જૂથોને પૂરતા સંસાધનો મળશે નહીં. રોધરહામના કેસોમાં આઘાતજનક લાગે છે કે આંકડા રાખવામાં આવ્યાં નથી. “તપાસની વાસ્તવિક ભાવના”ના અભાવનો અર્થ એ છે કે પીડિતો શોષણ વિશે ફરિયાદ કરવા આગળ આવે તેવી શક્યતા નથી. તેઓ વિચારે છે કે ત્યાં સાંસ્કૃતિક સહાનુભૂતિ જ નહીં હોય કે ટેકો મળે તેવી સંભાવના જ નથી કે પછી પ્રોસીક્યુશન ચલાવવામાં જ નહીં આવે. તેથી તેઓ પોતાને જે મળવાનું નથી તેના માટે ખૂબ પીડા આપશે.’’

ફોર્સ મેરેજ અને ઓનર-બેઝ્ડ હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરતી નેશનલ ચેરિટી કર્મ નિર્વાણ માને છે કે ઓથોરીટીમાં શામેલ થવા માટેના સક્રિય પ્રયાસનો અભાવ છે. તેના ચિફ એક્ઝીક્યુટીવ નતાશા રત્તુએ એક ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે ‘’પોલીસે 15 વર્ષીય સાઉથ એશિયન પીડિતાને ફરિયાદ માટે રાજી કરવા અમારી સંસ્થાને જણાવ્યું હતું, કેમ કે તેનો પરિવાર તે બાળા પર દબાણ કરે છે કે તે તેના સંબંધીઓ દ્વારા થયેલા જાતીય શોષણના આક્ષેપો પાછા ખેંચી લે. અમારો સવાલ એ છે કે શું તે લઘુમતી સમુદાયમાંથી ન હોત, અને સંસ્કૃતિનો મુદ્દો ન હોત, તો શું શ્વેત છોકરીને તે જ જવાબ મળ્યો હોત? બિલકુલ નહીં. તેઓ તે છોકરીનું સંરક્ષણ કરત જ. પરંતુ તે સંરક્ષણ અહિં ધીમું થઈ ગયું હતું અને તેના શોષણનો સંદર્ભ જ ખોવાઈ ગયો. આપણે આને શોષણ તરીકે જ જોવું જોઈએ. શોષણ એ શોષણ છે અને અમે તે સંદેશ મોકલવા માંગીએ છીએ.”

શોષણમાંથી બચી ગયેલા સાઉથ એશિયન લોકોએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’સ્થાનિક નેતાઓથી લઈને ક્રિમિનલ જસ્ટીસ સીસ્ટમ સુધીની દરેક ઓથોરીટીએ તેમને દરેક વળાંક પર છોડી દીધા છે.’’

એક અનામી જજે કહ્યું હતું કે ‘’દરેક સંસ્થાઓ બાળ શોષણનો ભોગ બનેલા લોકોને મંદદ કરવામાં નિષ્ફળ રહી હતી. હુમલાના શારીરિક પુરાવા વિના બાળ યૌન શોષણના આરોપોમાં કાયદેસર કાર્યવાહીની સંભાવના ખૂબ જ ઓછી છે.  કેટલાક કિસ્સામાં તો આરોપ કરનારને કાનૂની સહાય અથવા ભંડોળ મળતું નથી. બીજી તરફ દુરૂપયોગ કરનારને કાનૂની મદદ મળે છે.

ગયા વર્ષે ગરવી ગુજરાતે સાઉથ એશિયન સમુદાયોમાં પ્રવર્તતા ‘કલ્ચર ઓફ સાયલન્સ’ અને સમુદાયના કહેવાતા નેતાઓ કેવી રીતે બાળ યૌન શોષણની સમસ્યાને દફનાવે છે તે જણાવ્યું હતું. સામાજિક કાર્યકરોને લાગ્યું હતું કે તેઓ જાતિવાદી કહેવાશે તે ડરે પોલીસ અને કાઉન્સિલો સાઉથ એશિયન સમુદાયોમાં બાળ યૌન શોષણનો સામનો કરતા ડરતા હતા.

સુખવિન્દર (સાચું નામ નથી)નું તેના શીખ ગુરૂદ્વારામાં એક પૂજારી દ્વારા જાતીય શોષણ કરાયું હતું. તે છ વર્ષની હતી ત્યારે શરૂઆત થયેલ શોષણ ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું. તે વખતે તેને

શરમ આવતી હતી. તે પૂજારી છોકરા – છોકરી બંનેનું શોષણ કરતો હતો. પરંતુ તે છટકી ગયો કારણ કે સમુદાય ક્યારેય માનતો જ નહોતો કે પૂજારી પણ આમ કરી શકે. જ્યારે સુખવિન્દર ફરિયાદ કરવા ગઇ ત્યારે તેને જ શોષણ બદલ દોષીત ઠેરવાઇ હતી.

સુખવિન્દરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મેં મારા પતિને મારા શોષણની વાત કરી હતી. પરંતુ તે પછી તે હું વપરાયેલો માલ હોઉં તેમ વર્તન કરતો, તે દર વિકેન્ડમાં દારૂનો નશો કરી મારતો, બળાત્કાર કરતો અને કહેતો કે બાળક તરીકે તારી સાથે જે બન્યું છે તે જ તને ગમતું હશે, માટે હું આવું કરૂ છું. મારા પતિએ જજને સમજાવ્યું હતું કે બાળક તરીકે મારી સાથે દુર્વ્યવહાર થયો હતો તેથી હું માનસિક રીતે સ્થિર નથી. તેણે કોર્ટને ખાતરી કરાવી હતી કે મને કાયમ લાગે છે કે દરેક લોકો મારો દુરૂપયોગ કરે છે.” સુખવિન્દર રીસ્ટ્રેઈનીંગ ઓર્ડર લેવા કોર્ટમાં ગઇ ત્યારે પણ તંત્રએ તેની મદદ કરી ન હતી.

બાળકોના ફોર્સ મેરેજ અને શોષણથી બચવામાં મદદ કરતી ફ્રીડમ ચેરિટીના સ્થાપક અનીતા પ્રેમે જણાવ્યું હતું કે ‘’આ અસ્વીકાર્ય છે. બાળકોના શોષણ વિશે વાત કરીએ ત્યારે રેસ તેમાં આવવી ન જોઈએ. તેથી, મહત્વનું છે કે વંશીયતાની નોંધ કરાય. કયા જૂથો આ ગુનાઓ કરે છે અને કેવા પ્રકારનાં લોકો તે કરે છે. તેના પર રાજકીય રીતે સંવેદનશીલ રહેવાથી કામ સરતું નથી. આપણે મજબૂત બનવાની જરૂર છે. સંરક્ષણ સૌથી અગત્યની બાબત છે. રોગચાળા દરમિયાન શોષણની ફરિયાદ કરનારા બાળકોના કોલ્સની સંખ્યા વધી છે લોકો ફ્રીડમ ચેરિટી એપ્લિકેશનનો ઉપયોગ વધુ કરે છે.

ગરવી ગુજરાતે ઇલિંગ, સાઉથૉલના લેબર એમપી અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ ઓન ઓનર બેઝ્ડ એબ્યુસના ચેરમેન વિરેન્દ્ર શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે હોમ સેક્રેટરીને  લેખિત પ્રશ્ન કર્યો હતો કે  “બાળ જાતીય દુર્વ્યવહારના ડેટાના ભાગરૂપે વંશીયતા એકત્રિત કરવા તેમણે શું એસેસમેન્ટ કર્યું છે?”

સેફ ગાર્ડીંગ મિનીસ્ટર વિક્ટોરિયા એટકિન્સે તેના જવાબમાં જણાવ્યું હતું કે ‘’તા. 13 મે સુધી પોલીસે બાળ જાતીય શોષણના 90,000 કેસો નોંધ્યા છે, જેમાં 2013થી 300 ટકાનો વધારો થયો છે. સરકાર સ્પષ્ટ છે કે ગુનાના સંભવિત કારણોને સમજવા. તેથી જ હોમ સેક્રેટરીએ માર્ચ 2021માં જૂથ દ્વારા કરાતા બાળ યૌન શોષણમાં શંકાસ્પદ સંડોવણીના પરિણામે ધરપકડ કરાયેલા અને કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકોના વંશીય ડેટા એકત્રિત કરવા માટે પોલીસ ફોર્સીસ માટે નવી આવશ્યકતા રજૂ કરી હતી. જે એક વર્ષ માટે સ્વૈચ્છિક રહેશે અને ફોર્સીસે તેમની સિસ્ટમને અપડેટ કર્યા બાદ તે ફરજિયાત બનશે. નવી તમામ દરખાસ્તો પ્રમાણસર છે અને પોલીસ દળો પર બિનજરૂરી બોજો આવતો નથી તેની ખાતરી કરી પોલીસની સલાહ લઇ હોમ ઓફિસ બાળ જાતીય દુર્વ્યવહારના સંબંધમાં ડેટાની આવશ્યકતાઓ પર વિચાર કરવાનું ચાલુ રાખશે. સરકાર બાળ જાતીય દુર્વ્યવહારની પ્રકૃતિને વધુ સારી રીતે સમજવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.’’

અમે હોમ ઑફિસ અને એજ્યુકેશન વિભાગને સાઉથ એશિયન બાળકોમાં જાતીય શોષણ વિશેના ચોક્કસ પ્રશ્નો સહિત પૂછ્યું હતું કે બાળ સુરક્ષા માટે કોણ જવાબદાર છે. હોમ ઑફિસે સામાન્ય જવાબ મોકલ્યો હતો અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

વિરેન્દ્ર શર્માએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “બાળકોની રક્ષા માટે પૂરતો ડેટા એકત્ર કરાતો નથી તેની ઉંડી ચિંતા છે. જુદા જુદા વંશીય જૂથોના બાળકોને સુરક્ષિત રાખવા માટે વિશિષ્ટ હસ્તક્ષેપોની જરૂર પડી શકે છે. ડેટા વિના તે જાણવું મુશ્કેલ હશે. કોને અસર થાય છે તેના સ્પષ્ટ ચિત્રની જરૂર છે અને ડેટા તે આપશે. હું હોમ સેક્રેટરીને પ્રશ્નો પૂછીને તમારી તપાસને સમર્થન આપતા ખુશ છું, અને સંસદમાં હું તેમને દેશભરમાં બાળ શોષણના ડેટાની ગણતરી કરવા અને તે ડેટામાં વંશીયતાના સમાવેશને ફરજિયાત બનાવવા જણાવીશ.”

ગરવી ગુજરાત કાઉન્સિલો અને પોલીસ ફોર્સીસ તરફથી મળેલા તમામ જવાબો EHRC સાથે શેર કરવા વિક્ટીમ કમિશનરને મોકલશે.

વિશ્લેષણ

પોલીસ

પોલીસ કે કાઉન્સિલ બંને એકસરખી રીતે ડેટા એકત્રિત કરતા નથી. સ્થાનિક કાઉન્સિલોમાં સેંકડો અને પોલીસ ફોર્સીસમાં 43 વિવિધ પદ્ધતિઓ છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં શ્યામ બાળકો (30,346) કરતા થોડા વધુ એશિયન બાળકો (30,532)નું જાતીય શોષણ કરાયું હતું. શ્વેત બાળકોની સંખ્યા લગભગ 240,000 હતી.

ગુનેગારોની વંશીય નોંધ સ્વૈચ્છિક હોવાથી અને સરકાર પીડિતોના વંશીય રેકોર્ડ ન રાખતી હોવાથી સવાલ એ ઉભો થાય છે કે શું કોઇ એશિયન બાળક જાતીય દુર્વ્યવહારના સંભવિત વલણોની નોંધ કે આગાહી કરે છે? અમે અનેક દળોને પૂછેલા પ્રશ્નોને પગલે સાફ જણાયું હતું કે બાળકોના વંશીય જૂથનું વર્ણન કે નોંધ કરાઇ નથી અને તેવા બાળકોનું ઉચ્ચ પ્રમાણ છે.

2020માં ડર્બીશાયરમાં 88 ટકા કેસોમાં કશું જણાવાયું ન હતું. તે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના આંકડામાં એશિયન બાળકોનો દર ત્રણમાંથી એકનો હતો.

ડર્બીશાયરના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે, તો મોટાભાગના ભોગ બનેલા લોકોએ વંશીયતાની માહિતી આપી નહતી. જે સંસાધનોના લક્ષ્યાંકને અસર કરી શકે છે. આ ક્ષેત્રમાં, વસ્તીના ચાર ટકા લોકો એશિયન અથવા ચીનના હતા. પણ તે પૈકી માત્ર બે દક્ષિણ એશિયાના લોકોએ 2020માં જાતીય શોષણની ફરિયાદ કરી હતી. કોવિડ અને લૉકડાઉનના કારણે શિક્ષકો અથવા પુખ્ત વયની વ્યક્તિને ફરિયાદ કરવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. કોવિડની અસર અંગે દળોએ તપાસ કરવી જોઈએ.

વેસ્ટ મિડલેન્ડ્સમાં વર્ષ 2019માં 254 સાઉથ દક્ષિણ એશિયન પીડિતો હતા જે 2020માં 471 પર પહોંચી ગયા હતા.

બેડફર્ડશાયર પોલીસના આંકડા મુજબ દર વર્ષે ત્રણ વંશીય જૂથોમાં પીડિતોની સંખ્યામાં વધારો થયો છે. 2018 અને 2020ની વચ્ચે, સાઉથ એશિયન પીડિતોની સંખ્યામાં લગભગ 260 ટકાનો વધારો થયો છે. રોગચાળા દરમિયાન તે બમણા કરતા વધારે હતો. પાછલા દાયકા દરમિયાન, ઘણા શહેરોની કોર્ટસે મુખ્યત્વે સાઉથ એશિયન ગેંગ્સને મુખ્યત્વે શ્વેત કિશોરીઓના યૌન શોષણ બદલ દોષીત ઠેરવી હતી.

વર્ષ 1997માં, નેશનલ ક્રાઈમ એજન્સીએ ઓપરેશન સ્ટોવવુડની શરૂઆત એક અહેવાલ આપીને કરી હતી. 1997 અને 2013 દરમિયાન રોધરહામના 1,400 બાળકોનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

નઝીર અફઝલ કહે છે કે “મારો અનુભવ મને કહે છે કે અપરાધીઓને ખબર છે કે શું થઈ રહ્યું છે અને તેઓ જાણે છે કે તેઓ છટકી શકે છે તેથી તેઓ દુર્વ્યવહાર કરે રાખે છે. ઓથોરીટી એવું નક્કી કરે કે તે એટલું મહત્વનું નથી, તો ગુનેગારો તેનો લાભ લે છે અને વધુ લોકોને નુકસાન કરશે.”

નેશનલ પોલીસ ચિફ્સ કાઉન્સિલ વતી લીડ ફોર ધ ચાઇલ્ડ પ્રોટેક્શન ચિફ કોન્સ્ટેબલ સાયમન બેઇલીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’મજબૂરી ન હોવા છતાં, ફોર્સીસ નૈતિક રીતે દેખરેખ રાખે છે. પીડિતોની જાતિને રેકોર્ડ કરવામાં કેટલીક અસંગતતાઓ છે. અમે તેના પર ધ્યાન આપી રહ્યા છીએ, જેથી અમે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના ખતરાને સંપૂર્ણ રીતે સમજી શકીએ. બાળકોને શક્ય તેટલાં સુરક્ષિત રાખવા માટે અમે હંમેશાં અન્ય લોકો સાથે માહિતી શેર કરીશું”.

લેન્કેશાયર પોલીસે અમારી વિનંતીને નકારી કાઢી હતી. તો વેસ્ટ યોર્કશાયર જેવા ફોર્સે કહ્યું હતું કે તેઓ ડેટાનું વિશ્લેષણ કરે છે. આંકડા બતાવે છે કે શ્વેત બાળકો સૌથી વધુ ભોગ બને છે. પરંતુ કોવિડ દરમ્યાન શ્વેત અને સાઉથ એશિયન બાળકોમાં દર વર્ષે ઘટાડો થાય છે ત્યારે બાળ જાતીય દુર્વ્યવહારનો ભોગ બની રહેલા શ્યામ બાળકોની સંખ્યા વધી રહી છે.

કાઉન્સિલ

ગરવી ગુજરાતે સંપર્ક કરેલ 50  કાઉન્સિલોમાંથી, અમારું વિશ્લેષણ કેમ્પેઇનર્સની ચિંતા સૂચવે છે કે બાળકોને સુરક્ષિત રાખી શકાય તેવા ડેટાને એકત્રિત કરવામાં આવતો નથી. અડધા લોકોએ કહ્યું હતું કે તેઓ કાં તો આ આંકડા જાહેર કરી શકાશે નહીં અથવા કરશે નહીં. ડર્બી જેવી સાઉથ એશિયનની વધુ વસ્તી ધરાવતી કેટલીક કાઉન્સિલોએ સ્વીકાર્યું કે તેઓ પીડિતો અથવા ગુનેગારોની જાતિ જોડી શક્યા નથી.

કેટલીક કાઉન્સિલોને  ડેટાનું વિશ્લેષણ કરવું ખૂબ મહેનત માગી લે તેવું કામ લાગતું હતું. નોટિંગહામ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ‘’દુર્વ્યવહારનો ભોગ બન્યા છે કે નહીં તે નક્કી કરવા માટે 1,072 બાળકોમાંથી દરેકના રેકોર્ડ્સ દ્વારા જાતે જ જોવાની જરૂર પડશે. આ ઉપરાંત, કાઉન્સિલની અન્ય ટીમો જેમ કે એલએડીઓની સાથે માહિતીને ક્રોસ રેફરન્સ કરવાની જરૂર પડી શકે છે; અને તેમણે પણ જાતે જ રેકોર્ડ્સની તપાસ કરવી પડશે. જે 89 કલાકનું કામ હશે. ઘણા લોકોએ તો તેઓ ઓળખાઇ જશે તે ડરથી પીડિતોની જાતિની વિગતો આપવાની ના પાડી હતી.”

રોધરહામ કાઉન્સિલ સાઉથ એશિયન પીડોફિલ ગેંગના કૌભાંડનો ભોગ બન્યું હતું પણ તેમની પાસે એવી સિસ્ટમ નથી કે જે સરળતાથી પીડિતો અને ગુનેગારોને ઓળખી શકે. તેમની પાડોશી બાર્ન્સલી કાઉન્સિલમાં પણ એવું જ છે.

સાઉથ એશિયન લોકો માને છે કે બાળ યૌન શોષણના બનાવો બ્રિટિશ-પાકિસ્તાની સમુદાયો સુધી મર્યાદિત છે. પણ ડેટા મુજબ યુકેમાં રહેતા ભારતીયો અને બાંગ્લાદેશીઓ પણ સમાન સમસ્યાનો સામનો કરે છે.

આંકડા અને ગ્રાફ માટે જૂઓ: https://public.flourish.studio/visualisation/6271294/

https://public.flourish.studio/visualisation/6287806/

https://public.flourish.studio/visualisation/6288189/

https://public.flourish.studio/visualisation/6287664/