બાર્ની ચૌધરી દ્વારા
જ્યારે સાઉથ એશિયન બાળકો જાતીય શોષણનો ભોગ બને છે કે દુર્વ્યવહાર થાય છે ત્યારે પોલીસ પૂરતા પ્રમાણમાં પુરાવા માટે મહેનત કરવામાં કે સક્રિય રીતે તપાસ કરવામાં નિષ્ફળ રહે છે. ગરવી ગુજરાત વિશિષ્ટ રીતે જાહેર કરી શકે છે કે એક મહિલા જૂથ દ્વારા કરવામાં આવેલા કેન્દ્રીય આક્ષેપોમાંનો તે એક છે અને આ અંગે આ અઠવાડિયે હોમ ઑફિસ વિરુદ્ધ ‘સુપર ફરિયાદ’ રજૂ કરાઇ રહી છે.
મિડલ્સબરો સ્થિત હેલો પ્રોજેક્ટ, જે ઓનર-બેઝ્ડ હિંસા, બળજબરીપૂર્વકના લગ્ન અને ચાઇલ્ડ સેક્સ એબ્યુઝનો ભોગ બનેલા લોકોનું સમર્થન કરે છે, તેને ભૂતપૂર્વ ચિફ પ્રોસિક્યુટર નઝીર અફઝલ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
આ અખબાર દ્વારા જોવામાં આવેલા દસ્તાવેજોમાં, આ જૂથ ફરિયાદ કરે છે કે પોલીસને “પીડિતોના આઘાત વિશે નબળી સમજ છે” અને “અધિકારીઓ ઘણી વાર ભૂલથી માને છે કે કુટુંબ અથવા સમુદાય લૈંગિક દુર્વ્યવહારનો ભોગ બનેલાને સમર્થન આપશે અને પડખે ઉભા રહેશે, પણ ખરેખર નુકસાનની માત્રા કેટલીય ગણી વધી છે.”
ભૂતપૂર્વ ચિફ પ્રોસિક્યુટર અફઝલે કહ્યું હતું કે “પોલીસને પોતાના પૂર્વગ્રહો અને અનુમાનો છે. તેમને નથી લાગતું કે પરિવારો જાતીય દુર્વ્યવહારમાં સંકળાયેલા હોઈ શકે છે. પીડિતોને સમર્થન મળતું નથી, તેમની સાથે હંમેશાં શંકાસ્પદ વર્તન કરવામાં આવે છે, અને જ્યારે તેઓ ફરિયાદ કરે છે ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આખી સિસ્ટમ તેમને નિષ્ફળ કરતી રહે છે. અન્ય ગુનાની તપાસમાં પોલીસ અનેક પ્રકારની લાઇન પર પૂછપરછ કરે છે. પરંતુ બાળ લૈંગિક દુર્વ્યવહારમાં, તેઓ પરિવાર પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેથી તેઓ તકો ગુમાવે છે. જો તેઓ પીડિત અને તેમનું સમર્થન કરનારા લોકોની વાત સાંભળશે નહીં, તો તેઓ પીડિત જેનો સામનો કરી રહ્યા છે તે અવરોધોનુ વાસ્તવિક ચિત્ર તેમને નહીં મળે.”
તપાસમાં જાણવા મળ્યું છે કે હોમ ઑફિસ કે પોલીસ અને સોશ્યલ સર્વિસ પાસે ન તો આ અંગેનો રાષ્ટ્રીય ડેટા બેઝ છે કે ન તો કોણ દુર્વ્યવહાર કરે છે તેની માહિતી. આનો અર્થ એ કે સત્તાવાળાઓ સમસ્યા અંગેનું યુકે ભરનું ચિત્ર રજૂ કરી શકતા નથી. તેમની પાસે દેશવ્યાપી રેકોર્ડ પણ નથી જે વંશીયતા અનુસાર આંકડા રજૂ કરે. તેથી અધિકારીઓને વિવિધ સમુદાયોમાં શું થઈ રહ્યું છે તે ખબર જ નથી.
ધ નેશનલ પોલીસ ચિફ્સ કાઉન્સિલે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “અમે ઓપરેશનલ આદેશ સાથેની સંસ્થા નથી, તેથી દરેક દળને તેમના આંકડાઓ માટે હિસાબ આપવો પડશે.”
એકવાર લૉકડાઉન હટશે અને બાળકો શાળાએ પાછા ફરશે ત્યારે દક્ષિણ એશિયન સમુદાયોમાં નહિં જાહેર થયેલા બાળ લૈંગિક દુર્વ્યવહારના કેસોમાં વધારો થવાની મહિલાઓનાં જૂથો ચેતવણી આપી રહ્યા છે. લૉક ડાઉન દરમિયાન સંવેદનશીલ બાળકો તેમના વિસ્તૃત કુટુંબ અને નજીકના સમુદાયોની બહાર જતા ન હોવાથી તેમને મૌન સહન કરવું પડ્યું છે.
‘કર્મ નિર્વાણ’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નતાશા રત્તુએ કહ્યું હતું કે “લોકડાઉન દરમ્યાન જે નુકસાન થયું છે તેની સાચી ખબર ન પડે ત્યાં સુધી આપણે કશું ન કહી શકીએ. વળી હવે રજાઓ પડશે તેમાં આ ગુનાઓ છુપાઇ જશે.”
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના છેલ્લા આંકડા દર્શાવે છે કે 18 થી 74 વર્ષની વયના 3.1 મિલિયન લોકોનું 16 વર્ષની વય પહેલા જાતીય શોષણ થયું હતું અને તેમની સંખ્યા 7.5 ટકા છે. માર્ચ 2019 સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દળોએ 73,260 બાળ જાતીય ગુના નોંધ્યા હતા પરંતુ તેના વંશીયતામાં વિભાજિત થયા નથી.
ફ્રીડમ ચેરિટીના સ્થાપક અને પ્રમુખ અનીતા પ્રેમે કહ્યું કે “મને આશ્ચર્ય થાય છે કે તેમણે આંકડા એકત્રિત કર્યા નથી. જ્યાં સુધી તમારી પાસે સંપૂર્ણ ચિત્ર ન હોય ત્યાં સુધી કેવી રીતે સમસ્યાનો સામનો કરી શકશો? તમે કેવી રીતે ફેરફાર કરી શકો છો? તેથી, ત્યાં એક કેન્દ્રિય ડેટાબેસ હોવું જરૂરી છે જ્યાં તે યોગ્ય રીતે રેકોર્ડ થયેલ છે.”
કર્મ નિર્વાણે જણાવ્યું હતું કે ‘’લોકડાઉન દરમિયાન તેમણે 43 બાળકોને ટેકો આપ્યો હતો જેમાંથી આઠ બાળકોએ જણાવ્યું હતું કે તેમનું જાતીય શોષણ થયું છે. જે તમામ દક્ષિણ એશિયન સમુદાયોના છે અને એક રોમાનિયન છે. ગયા વર્ષે સમાન ગાળામાં અમે 67 બાળકોને મદદ કરી હતી, જેમાંથી નવ જાતીય શોષણનો ભોગ બન્યા હતા.’’
તાજેતરના એક કેસમાં, પોલીસ અધિકારીઓએ કિશોરવયની યુવતી ખુલીને ફરિયાદ કરે તે માટે છોકરીના સમુદાયની એશિયન મહિલાની મદદ માંગી હતી. બાળકની માહિતી લેવા એશિયન, સ્ત્રી અથવા તે વ્યક્તિના સમુદાયના કોઈની જરૂર નથી. ખરેખર તો જાતીય શોષણ ખોટું છે.”
BAME સમુદાયોમાં શોષણની તપાસ કરવાના આ અભિગમને બાળ જાતીય દુર્વ્યવહારની ચાલુ સ્વતંત્ર તપાસના નવા અહેવાલમાં મજબુત કરવામાં આવ્યો છે.
તપાસના એમ્બેસડર સબાહ કૈસર કહ્યું હતું કે ‘’મારા અંકલે નવ વર્ષની હતી ત્યારે સૌપ્રથમ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ છેડતી તો સાત વર્ષની હતી ત્યારથી શરૂ થઈ હતી. મારા પર ત્રણ અન્ય અંકલ દ્વારા દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. મેં ફરિયાદ કરી ત્યારે તે માનવામાં આવી ન હતી. એક મહિલા અધિકારીએ મને પૂછ્યું હતું કે ‘શું તે સંભોગ કરતો હતો? પણ 13 વર્ષની બાળકી તરીકે ઇન્ટરકોર્સ શબ્દનો અર્થ શું છે? તેની ખબર ન હોવાનું કે તેનો ઉચ્ચાર કરતા આવડતું ન હોવાથી તે મહિલા અધિકારી ઉભા થઇ ગયા હતા અને ચુકાદો આપી દીધો હતો કે ‘જો તમને શબ્દનો અર્થ ખબર નથી તેનો અર્થ છે કે તેવું કશું જ બન્યું નથી. મારી સોશ્યલ સર્વિસના ફાઇલ થોડા વર્ષો પહેલા મળી તેમાં મને સંસ્કૃતિ વિરુદ્ધ બળવો કરનાર અને નિયંત્રણની બહાર ગયેલી જણાવવામાં આવી હતી. તેથી જ જ્યારે હું લગભગ 14 વર્ષની હતી ત્યારે મને કેરમાં રાખવામાં આવી હતી.”
ફ્રીડમ ચેરિટીના પ્રેમે કહ્યું હતું કે ‘’દક્ષિણ એશિયાના લોકો એવું વિચારે છે કે માત્ર પાકિસ્તાનીઓ અથવા મુસ્લિમોમાં બાળ જાતીય શોષણ થાય છે તે ખોટું છે. અમે એવા આંકડાઓ જોયા છે જે દર્શાવે છે કે બાળ શોષણ ભારતીય અને બાંગ્લાદેશીઓમાં પણ થઈ રહ્યું છે. તેને સંસ્કૃતિ, ધર્મ કે વર્ગ સાથે કશી જ લેવા દેવા નથી. લોકો તેમના નાક નીચે શું થઈ રહ્યું છે તે જોવા માંગતા નથી. છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ તેમની સર્જરી કરાય છે જેથી કોઇને તેની ખબર ન પડે.”
બાળ લૈંગિક દુર્વ્યવહાર ઇન્કવાયરીમાં જણાયું છે કે BAME સમુદાયોમાં ‘કોડ ઓફ સાયલન્સ’ અસ્તિત્વમાં છે. બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે હતું કે “આવા લોકો શક્તિશાળી બન્યા છે. તેઓ કાઉન્સિલરો, બિઝનેસ લીડર્સ અને ઇનફ્લુઅન્સર્સ છે જેઓ સોશ્યલ સર્વિસીસના બોસની ઑફિસોમાં ઘૂસીને તેમના પર રેસીસ્ટ હોવાનો આરોપ લગાવતા હોય છે, તેથી તેઓ આવા કૌભાંડથી ડરે છે. તેઓ પછી પોલીસના કાનમાં ભરે છે કે આ બધુ તો કચરા જેવું છે. કાર્પેટ હેઠળ બ્રશ કરવામાં આવે છે.”
બ્રિટિશ એસોસિયેશન ઑફ સોશિયલ વર્કર્સે કહ્યું હતું કે ‘’તે બાળ લૈંગિક દુર્વ્યવહાર અંગેનો ડેટા એકત્રિત કરતી નથી.’’હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું હતું કે “સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે તમામ પીડિતો અને બચી ગયેલા લોકોને જરૂરી ટેકો મળે. અમે રાષ્ટ્રીય બાળ જાતીય દુર્વ્યવહારની વ્યૂહરચના પ્રકાશિત કરીશું, જેનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ ગુનાની ઓળખ તમામ સમુદાયોમાં કરવામાં આવે અને તેને અટકાવવામાં આવે.”
પરંતુ અફઝલ કહે છે કે ‘’આપણને હજી બીજી વ્યૂહરચનાની જરૂર છે. કાગળ પરની વાસ્તવિકતા પીડિતોનો અનુભવ છે. તેને રાષ્ટ્રીય પ્રતિસાદની જરૂર છે. તે તમામ અવરોધોની યોગ્ય ઓળખ, ઉકેલોની યોગ્ય સમજ અને તેના યોગ્ય અમલીકરણ છે. તમે તે જોશો જ નહીં તે તમે તેનુ માપ કાઢી શકશો નહીં.”
સંવેદનશીલ બાળકોની સલામતી માટે જવાબદાર સરકારી સંસ્થા, શિક્ષણ વિભાગે ટિપ્પણી માટે અમારી વિનંતીનો જવાબ આપ્યો નથી.