અમેરિકામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક સ્ટાર્ટ-અપ ટેકનોલોજી કંપનીના ચીફ ટેકનોલોજી ઓફિસર રિકેશ થાપા સામે આશરે 1 મિલિયન ડોલરની છેતરપિંડી કરવાના આરોપ મૂક્યા છે. રિકેશ થાપાએ યુએસ કરન્સી, ક્રિપ્ટોકરન્સી અને યુટિલિટી ટોકન્સમાં છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. કેલિફોર્નિયાના સાન ડિએગોના રિકેશ થાપા સામે વાયર છેતરપિંડીનો પણ આરોપ છે, જેમાં મહત્તમ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.
થાપાએ ગુનાની કમાણીનો ઉપયોગ નાઇટક્લબ, મુસાફરી અને કપડાં સહિતના અંગત ખર્ચ માટે કર્યો હતો તથા છેતરપિંડી છુપાવવા માટે ખોટા રેકોર્ડ્સ અને પુરાવા ઉપજાવી કાઢ્યા હતા. રિકેશ થાપાની 7 ડિસેમ્બરે કેલિફોર્નિયાના સધર્ન ડિસ્ટ્રિક્ટમાંથી ધરપકડ કરાઈ હતી. આ કેસ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન પી. ક્રોનનને સોંપવામાં આવ્યો છે.
યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે કહ્યું હતું કે “રિકેશ થાપાએ કથિત રીતે તેમની કંપની સાથે વિશ્વાસભંગ કર્યો છે, કારણ કે તે મોટી રકમની સુરક્ષા માટે જવાબદાર હતો. થાપાએ તેની છેતરપિંડીઓને ઢાંકવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા.
આ કંપની સહ-સ્થાપના રિકેશ થાપાએ કરી હતી અને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) હતા. તેઓ લાઇવ ઇવેન્ટ્સ માટે ટિકિટિંગ પ્લેટફોર્મ પૂરા પાડવા બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં સામેલ હતા. બીજા આરોપો મુજબ થાપાએ કંપનીના યુલિટિલી ટોકન્સની ચોરી કરી હતી. આ ટોકન એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે, જેનો ઉપયોગ ચોક્કસ સેવા, પ્રોડક્ટ્સ ખરીદવા થાય છે.