ભારતમાં વિવિધ રાજ્યોના વર્તમાન 30 મુખ્ય પ્રધાનો પૈકીના 29 મુખ્ય પ્રધાનો કરોડપતિ છે. ચૂંટણી સુધારા માટે કાર્યરત બિનસરકારી સંગઠન- એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ચૂંટણીના સોગંદનામામાં જાહેર કરાયેલી વિગતોના વિશ્લેષણને આધારે જાહેર કરાયેલા એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી રૂ. 510 કરોડની સંપત્તિ સાથે દેશના સૌથી વધુ ધનિક મુખ્ય પ્રધાન છે. જ્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી રૂ. 15 લાખની કુલ સંપત્તિ સાથે આ યાદીમાં સૌથી છેલ્લા સ્થાને છે.
એડીઆર અને ઈલેક્શન વોચ(ન્યુ)ના જણાવ્યાં પ્રમાણે દેશના 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વર્તમાન મુખ્ય પ્રધાનોની વિગતોના આધારે આ રીપોર્ટ તૈયાર કરાયો છે, જેમાં દેશના 28 રાજ્યો અને દિલ્હી તથા પુડુચેરીના કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોને આવરી લેવાયા છે. 30માંથી 29 મુખ્ય પ્રધાન કરોડપતિ છે અને દરેકની સરેરાશ સંપત્તિ અંદાજે 33.96 કરોડ છે.
30માંથી 13 મુખ્ય પ્રધાનોએ તેમની સામેના ગંભીર ફોજદારી ગુનાઓની વિગતો જાહેર કરી છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરે જેવા અપરાધોનો સમાવેશ થાય છે. સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના ત્રણ મુખ્ય પ્રધાનોમાં આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડી (રૂ. 510 કરોડથી વધુ), અરૂણાચલ પ્રદેશના પેમા ખાંડુ (રૂ. 163 કરોડથી વધુ) તથા ઓડિશાના નવીન પટ્ટનાયક(રૂ. 63 કરોડથી વધુ)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ જાહેર કરનારા મુખ્ય પ્રધાનોમાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી (રૂ. 15 લાખથી વધુ) મોખરે છે. બીજા ક્રમે કેરળના પિનારાયી વિજયન (રૂ. એક કરોડથી વધુ)અને ત્રીજા ક્રમે હરિયાણાના મનોહર લાલ ખટ્ટર (રૂ. એક કરોડથી વધુ)નો સમાવેશ થાય છે. બિહાર અને દિલ્હીના નિતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ બંને લગભગ રૂ. 3 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.