(ANI Photo)

ગુજરાતમાં યોજાઇ રહેલી જી૨૦ બેઠકોમાં સામેલ થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા, અગ્ર સચિવ મોના ખંઘાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રી તેમજ વર્લ્ડ બેંકના ડેલીગેટ્સ સામેલ થયાં હતા.

ગુજરાત સાથેના વર્લ્ડ બેંકના સંબંધોનો સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે ઊભર્યું છે તે માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટએ અભિનંદન પાઠવ્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત લાર્જ સ્કેલ પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં કાર્યાન્વીત છે તેમાં વર્લ્ડ બેંક સહાયતા માટે તત્પર હોવાનું વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ બાંગાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્લ્ડ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નહીં પરંતુ નોલેજ બેંક પણ છે. આ સંદર્ભમાં ગુજરાત સાથે નોલેજ પાર્ટનરશીપ કરવાની દિશામાં વર્લ્ડ બેંક અને ગુજરાતના પ્રતિનિધિઓ સાથે મળીને પ્રાથમિકતા નક્કી કરે તેવું સૂચન તેમણે કર્યું હતું. તેમણે ખાસ કરીને એનર્જી, મેન્યુફેક્ચરિંગ, સ્કીલિંગ અને કેપેસિટી બિલ્ડીંગ માટે આ પાર્ટનરશીપ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન ગ્રોથ ક્લાઇમેટ રેઝીલિયન્ટ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતે કરેલી પ્રગતિની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતે રોજગાર નિર્માણ તથા આર્થિક અને સામાજિક વિકાસ માટે આ બધા ક્ષેત્રો પર ગુજરાતે ફોકસ કર્યું છે. મુખ્યપ્રધાને આગામી વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૪માં ગુજરાત આવવા માટે વિશ્વ બેન્કના પ્રેસિડન્ટને આમંત્રણ પણ આપ્યું હતું.

LEAVE A REPLY