વિજયાદશમીના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાન પર શસ્ત્રપુજા વિધિ કરી હતી. મુખ્યપ્રધાનની સુરક્ષામાં હાજર રહેલા જવાનો પણ આ વિધિવત થઈ રહેલા શસ્ત્રપૂજનમાં જોડાયા હતા. માથા સાફો પહેરીને મુખ્યપ્રધાન વૈદિક મંત્રોચ્ચાર સાથે જુદાજુદા શસ્ત્રોની પૂજા કરી હતી.

શસ્ત્ર પૂજા દરમિયાન શસ્ત્રોમાં તલવાર, બંદૂક, ગદા તેમજ ધનુષની પુજા કરી હતી તેમજ જગત જનની માં દૂર્ગાની અને માં ભારતીની આરતી પણ કરી હતી. પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ અનુસાર દશેરાના દિવસે શરૂ કરવામાં આવેલ કોઈપણ કાર્યમાં ચોક્કસપણે સફળતા મળે છે.

મુખ્યપ્રધાને એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે સી.એમ સુરક્ષા પરિવારના સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું. શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતીક છે, જ્યારે શસ્ત્ર એ શક્તિનું પ્રતીક છે. શાસ્ત્રની સાથે શસ્ત્રના પૂજનનો પણ અનોખો મહિમા આપણી સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યો છે. શસ્ત્રપૂજનનો આ અવસર રાજ્ય, દેશ તથા વિશ્વમાં આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના.
વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજનનું આગવું મહત્વ છે. આજનો દિવસ અધર્મ ઉપર ધર્મના વિજયનો દિવસ છે, જેના કારણે શસ્ત્રોની ખાસ પૂજા વિધિ થાય છે.

 

LEAVE A REPLY