ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવાર, પહેલી ઓક્ટોબરે સંપૂર્ણપણે ભરાઈ જતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં કર્યાં હતાં.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવાર, પહેલી ઓક્ટોબરે સંપૂર્ણપણે ભરાઈ જતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં કર્યાં હતાં. કેવડિયા એકતાનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરી પૂજા કરી હતી. નર્મદા નીરના વધામણા કરી મુખ્યપ્રધાને નર્મદા મૈયાની આરતી કરી હતી.

ઉપરવાસમાં સારા વરસાદને પગલે ગુજરાતના આ સૌથી મોટો ડેમ 138.88 મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2017ના દિવસે ડેમનું લોકાર્પણ કર્યું હતું. ડેમને 15 સપ્ટેમ્બર 2019માં પહેલી વખત 138.67 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. આની સાથે ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

મુખ્યપ્રધાને એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી તેની મહત્તમ 138.68 મીટર પર પહોંચી છે, ત્યારે એક્તાનગર ખાતે નર્મદા મૈયાના જળનું પૂજન કરીને છલકાતાં નીરના વધામણા કર્યા હતાં. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ઝડપથી આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધી જ કામગીરી નિર્ધારિત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી. આજે આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments