ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમનાએ શનિવારે દુઃખ વ્યક્ત કર્યું હતું કે શિક્ષણની ફેક્ટરી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળી હોવાથી ઉચ્ચ શિક્ષણ તેનું સામાજિક મહત્ત્વ ગુમાવી રહ્યું છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાની શિક્ષણ સંસ્થા આચાર્ય નાગાર્જૂન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની માનદ ડિગ્રી મેળવ્યા બાદ પદવીદાન સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણનું આવું મોડલ સામાજિક એકતા હાંસલ કરાવી શકે તેવું હોવું જોઇએ અને તે સમાજના અર્થપૂર્ણ સભ્યોનું સર્જન કરે તેવું હોવું જોઇએ.
ચીફ જસ્ટિસે ખેદ વ્યક્ત કર્યો હતો કે પ્રોફેશનલ કોર્સિસનો ફોકસ બ્રિટિશ શાસનની જેમ આજ્ઞાંકિત માનવબળનું સર્જન કરવાનો બની રહ્યો છે. કડવી વાસ્તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ યુનિવર્સટીમાં પ્રવેશ કરે તે પછી પણ માત્ર વર્ગખંડના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આવા શિક્ષણનો એકમાત્ર હેતુ ઊંચા પગારની અને નફાકારક નોકરી મેળવવાનો બની ગયો છે.
નવતા, કુદરતી વિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને ભાષાઓ જેવ સમાન મહત્ત્વના વિષયોની સંપૂર્ણ અવગણના થાય છે. આપણે જોઇ રહ્યાં છીએ કે શિક્ષણની એવી ફેક્ટરીઓ મશરૂમની જેમ ફુટી નીકળી છે કે જે માનવ સંપદાના અવમૂલ્યન તરફ દોરી જાય છે. મને ખબર પડતી નથી કે કોને દોષ આપવો.