મજબૂત સંસદીય લોકશાહી માટે વિપક્ષને પણ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમનાએ શનિવારે જણાવ્યું હતું કે રાજકીય વિરોધ દુશ્મનાવટમાં તબદિલ થઈ રહ્યો છે, જે તંદુરસ્ત લોકશાહી માટે સારા સંકેત નથી.
સંસદીય લોકશાહીના 75 વર્ષના પ્રસંગે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશન દ્વારા રાજસ્થાન વિધાનસભામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર અને વિપક્ષ વચ્ચે પરસ્પર સન્માન હોવું જોઇએ, પરંતુ વિપક્ષની જગ્યા ઘટી રહી છે તથા વિગતવાર ચર્ચાવિચારણા અને ચકાસણી વગર કાયદા પસાર થઈ રહ્યાં છે.
લોકોની અપેક્ષા રાખે છે કે ધારાકીય અને વહીવટી અતિશયતા સામે કોર્ટ સંતુલન જાળવે અને વિપક્ષ કાર્યરત ન હોય ત્યારે આ બાબતની ગંભીરતા વધુ જાય છે. લોકશાહીને મજબૂત બનાવવા અર્થપૂર્ણ ડિબેટમાં સામેલ થવાની જગ્યાએ રાજકારણ વધુ ઉગ્ર બન્યું છે.
સીએલજીએ જણાવ્યું હતું કે વૈવિધ્યપૂર્ણ મંતવ્યો રાજકારણ અને સમાજને સમૃદ્ધ બનાવે છે. રાજકીય વિરોધ દુશ્મનાવટમાં તબદિલ ન થવો જોઇએ. દુઃખની વાત એ છે કે હાલમાં આવું થઈ રહી છે. તે તંદુરસ્ત લોકશાહી માટે સારા સંકેત નથી.અગાઉ એક કાર્યક્રમમાં રમનાએ જણાવ્યું હતું કે કોર્ટમાં જંગી પ્રમાણમાં પેન્ડિંગ કેસો માટે ન્યાયતંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ જવાબદાર છે. તે કાર્યક્રમમાં કાયદા પ્રધાન કિરણ રિજિજુએ પાંચ કરોડ પેન્ડિંગ કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કાચા કામના કેદીઓની ઊંચી સંખ્યાના ગંભીર મુદ્દાના ઉકેલ માટે પગલાં લેવાની જરૂરિયાત દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે તેનાથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને અસર થઈ રહી છે. કોઇ પણ ટ્રાયલ વગર લાંબો સમય જેલમાં રાખતી હાલની સિસ્ટમ સામે સવાલ કરવાની જરૂર છે. દેશમાં કુલ 6.10 લાખ કેદીઓમાંથી આશરે 80 ટકા કાચા કામના છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં આ પ્રક્રિયા જ એક સજા છે.
જયપુર ખાતેના કાર્યક્રમમાં તેમણે ધારાકીય દેખાવની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર અને વિપક્ષ વચ્ચે પરસ્પર સન્માન હોવું જોઇએ. કમનસીબે વિપક્ષની જગ્યા ઘટી રહી છે.ખેદજનક બાબત એ છે કે ધારાકીય કામગીરીની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. વિગતવાર વિચારવિમર્શ અને ચકાસણી વગર કાયદા પસાર કરવામાં આવી રહ્યાં છે. જો વહીવટીતંત્રની દરેક પાંખ કાર્યક્ષમતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરે તો બીજા પરના બોજમાં મોટો ઘટાડો થાય છે. જો અધિકારીઓ કાર્યક્ષમતા સાથે સામાન્ય વહીવટ કરે તો કાયદો ઘડતા લોકોએ તેમના મતદાતાને પાયાની સુવિધા પૂરી પાડવા કઠોર પરિશ્રમ કરવો પડતો નથી.