આઈએનએક્સ મીડિયા મામલે 105 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયા માટે એરબસ અને બોંઇગ વિમાન ખરીદવામાં કરોડો રુપિયાની નાણાકીય ગૂંચ અને મની લોન્ડ્રિંગ મામલે ઇડીએ શુક્રવારે ચિદંબરમની છ કલાક પૂછપરછ કરી હતી.
ઇડીના સૂત્રો મુજબ, પૂર્વ નાણામંત્રીને એર ઇન્ડિયાના 111 વિમાનની ખરીદીના સંબંધમાં પૂછપરછ માટે 23 ઓગસ્ટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ 20 ઓગસ્ટે INX Media મામલે સીબીઆઇએ તેમની અટકાયત કરી હતી. તિહાર જેલમાંથી છૂટ્યા પછી ચિદંબરમની આ મામલે પહેલીવાર પૂછપરછ કરવામાં આવી છે.
આ મામલો કરોડો રુપિયાના વિમાન ખરીદીમાં ઉચાપત અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે હવાઇ સ્લોટ નક્કી કરવામાં અનિયમિતતાઓને લીધે એર ઇન્ડિયાને થયેલા ભારે નુકસાન સાથે સંકળાયેલો છે. આ મામલે ઇડીની તપાસ એર ઇન્ડિયા માટે આશરે 70 હજાર કરોડ રુપિયામાં 111 વિમાન ખરીદવા સાથે જોડાયેલી છે.