ટીવી સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ ચેતન શર્માએ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
14 ફેબ્રુઆરીના રોજ એક ભારતીય ટીવી ન્યૂઝ ચેનલે વીડિયો ફૂટેજ પ્રસારિત કર્યો હતો, તેમાં ચેતન શર્મા વિરાટ કોહલી અને BCCI ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી વચ્ચેના કથિત મુદ્દાઓ અને જસપ્રિત બુમરાહની ઈજા સહિત રાષ્ટ્રીય ટીમને લગતી વિવિધ બાબતો વિશે વાત કરતા કરતાં હતા. એવું લાગે છે કે શર્માને ખબર ન હતી કે તેમનો વીડિયો બની રહ્યો છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે “હા, ચેતને પોતાનું રાજીનામું બીસીસીઆઈના સચિવ જય શાહને સોંપ્યું છે અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. સ્ટિંગ ઓપરેશન પછી તેમના માટે ટકી રહેવાનું મુશ્કેલ હતું. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું ન હતું.”
આ વીડિયોમાં તેમણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિશે ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસાને કારણે મોટો વિવાદ થયો હતો. ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું. ચેતન શર્મા આ વર્ષની શરુઆતમાં જ ફરીથી BCCIના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો. આ કાર્યકાળ ફક્ત 40 દિવસમાં પૂરો થયો છે. આ સાથે જ ચેતન શર્મા બંને ટર્મમાં પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે. ગત ટર્મમાં BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ સમગ્ર કમિટીને હટાવી દીધી હતી.
આ વીડિયોમાં તે ખેલાડીઓની પસંદગી, પદ્ધતિઓ અને ફિટનેસને લઈને ઘણી બાબતોને હાઈલાઈટ કરી રહ્યા હતા. ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર પણ આક્ષેપો લગાવ્યા હતા.