એર ઇન્ડિયાએ આગામી જાન્યુઆરીથી ચેન્નાઇ-લંડન રૂટ પર નોન સ્ટોપ ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી બ્રિટનની રાજધાની સાથે ફ્લાઇટ કનેક્શન ધરાવતું ચેન્નાઇ ભારતનું નવમું શહેર બનશે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે જાન્યુઆરી 2021થી ચેન્નાઇ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી છે. કોરોના મહામારીને કારણે 23 માર્ચથી ભારતે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ બંધ કરી છે. જોકે મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ ખાસ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ છે. આ ઉપરાંત જુલાઇથી એર બબલ સમજૂતી હેઠળ ખાસ ફ્લાઇટ ચાલે છે.
એર ઇન્ડિયા હાલમાં દિલ્હી (સપ્તાહમાં સાત ફ્લાઇટ), મુંબઈ (સપ્તાહમાં ચાર ફ્લાઇટ,) કોચી (સપ્તાહમાં ત્રણ ફ્લાઇટ) અમદાવાદ (સપ્તાહમાં બે ફ્લાઇટ). બેંગલુરુ (સપ્તાહમાં બે ફ્લાઇટ), ગોવા (સપ્તાહમાં બે ફ્લાઇટ), કોલકતા (સપ્તાહમાં એક ફ્લાઇટ) અને અમૃતસર (સપ્તાહમાં એક ફ્લાઇટ)થી લંડનનની નોન સ્ટોપ ફ્લાઇટ ઓપરેટ કરે છે.
કોરોના વાઇરસ સંબંધિત લોકડાઉનની વચ્ચે લંડન ફ્લાઇટમાં ઓક્યુપેન્સી રેટ અંગેના સવાલના જવાબમાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોડ ફેકટર્સ સામાન્ય રીતે સારો રહે છે. દિલ્હી, કોચી અને અમદાવાદ જેવા કેટલાંક સ્ટેશન્સ માટે લંડનની ફ્લાઇટનની ભારે માગ છે.
