બે સપ્તાહ કરતાં વધુ સમય વિત્યા પછી આઈપીએલમાં હવે કોઈક મુકાબલામાં જબરજસ્ત રસાકસી જામતી દેખાય છે, તો કેટલાક જંગ સાવ એક તરફી પણ રહેતા હોવાનું જણાય છે. રવિવારે રમાયેલી બન્ને મેચ તદ્દન એક તરફી રહી હતી, જેમાં પહેલી મેચમાં મુંબઈનો અને બીજી મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો.
ચેન્નાઈ માટે આ વિજય વધારે મહત્ત્વનો હતો કારણ કે કેપ્ટન કુલ ગણાતા ધોનીની ટીમ અગાઉ સતત ત્રણ મેચ હારી ચૂકી હતી, તે પછી રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબ સામે ઓપનર્સ ફાફ ડુ પ્લેસિસ તથા શેન વોટસને ધમાકેદાર બેટિંગ કરી એક પણ વિકેટ ગુમાવ્યા વિના 2.2 ઓવર્સ બાકી હતી ત્યારે 181 રન કરી વિજય હાંસલ કર્યો હતો. પંજાબની સ્થિતિ હવે સ્પર્ધામાં નાજુક બની ગઈ છે, તે પાંચમાંથી ફક્ત એક વિજય સાથે પોઈન્ટ્સ ટેબલના તળિયે બેસી ગઈ છે.
વિતેલા સપ્તાહમાં શનિવારે અને રવિવારે બે-બે મેચ રમાઈ હતી અને ચેન્નાઈ – પંજાબની એકમાત્ર મેચ સિવાય બાકીની ત્રણ મેચમાં થોડી રસાકસી તો ચોક્કસ રહી હતી. પંજાબે લોકેશ રાહુલના 63 અને નિકોલસ પૂરનના 33 રન સાથે ચાર વિકેટે 178નો થોડો પડકારજનક સ્કોર કર્યો હતો. પણ એ પછી ચેન્નાઈ તરફથી શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે એક સરખા 53-53 બોલ રમી એક સરખા 11-11 ચોગ્ગા સાથે અનુક્રમે અણનમ 83 અને 87 રન કર્યા હતા. વોટસને 3 તથા ડુ પ્લેસિસે 1 છગ્ગો માર્યા હતા. વોટસને 31 તથા ડુ પ્લેસિસે 33 બોલમાં અડધી સદી કરી હતી.