ધ સર્પન્ટના નામે ઓળખાતા ચાર્લ્સ શોભરાજે દવો કર્યો છે કે મેં લોકોને ડ્રગ્સ આપીને લૂંટ્યા છે પણ હું કોઇનો ખૂની નથી. ફ્રેન્ચ ખૂનીએ સીરીયલ કિલર હોવાનો ઇનકાર કર્યો છે. તેણે આ અઠવાડિયે ફ્રાન્સમાં તેની આત્મકથાના પ્રકાશન પહેલાં ફ્રાન્સની સૌથી વધુ જોવાતી TF1 ચેનલ પર એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ આપ્યો હતો.
ડિસેમ્બરમાં નેપાળમાં આજીવન કેદમાંથી મુક્ત થયા પછી તેના પ્રાઇમટાઇમ ન્યૂઝ શોમાં શોભરાજને તેના પુસ્તક, ‘મોઇ, લે સર્પન્ટ’ને પ્રમોટ કરવા માટે એક પ્લેટફોર્મ આપવા બદલ ચેનલને ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેને 2004માં નેપાળની અદાલતે 1975માં અમેરિકન બેકપેકર અને તેના કેનેડિયન પ્રવાસી સાથીની હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. પણ શોભરાજે આ કેસ બનાવટી પુરાવા પર આધારિત હતો અને તે વર્ષે તે નેપાળમાં નહોતો એવો દાવો કર્યો હતો.
શોભરાજ ફ્રેન્ચ નાગરિક છે અને તેણે 1970ના દાયકામાં એશિયામાં પશ્ચિમી લોકોનો શિકાર કર્યો હતો. તેને ભારતમાં બે લોકોની હત્યા માટે દોષીત ઠેરવવામાં આવ્યો હતો. તે છ મહિલાઓની હત્યાના સંબંધમાં થાઇલેન્ડમાં પણ વોન્ટેડ હતો.