કિંગ ચાર્લ્સે £1 બિલિયનના ક્રાઉન એસ્ટેટ પરના છ નવા ઓફશોર વિન્ડ ફાર્મમાંથી થતા નફામાં થનારા વધારાનો ઉપયોગ રોયલ ફેમિલીને બદલે ‘’વિશાળ જનસમુદાયના ભલા” માટે કરવા જણાવ્યું છે. રોયલ હાઉસહોલ્ડનું જાહેર ભંડોળ ક્રાઉન એસ્ટેટના નફાના 25% પર આધારિત છે. પરંતુ કિંગ ચાર્લ્સે આ ટકાવારી ઘટાડી તે રકમ ટ્રેઝરીને જાહેર ખર્ચ માટે વાપરવા કહ્યું છે.
ક્રિસમસ સંદેશમાં, કિંગ ચાર્લ્સે કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીના દબાણ અંગે જણાવ્યું હતું જેથી તેઓ રોયલ્સ માટેની આવકમાં થનાર અણઘડ વધારાને ટાળવા માટે પગલાં લઈ રહ્યા હોય તેવું લાગે છે.
ક્રાઉન એસ્ટેટનો વહિવટ એક બિઝનેસ તરીકે કરાય છે, જેનો નફો ટ્રેઝરીમાં જાય છે. પરંતુ તે નફાનો ઉપયોગ શાહી પરિવાર માટે જાહેર ભંડોળના સ્તર માટેના માપદંડ તરીકે પણ થાય છે અને તેને સોવરિન ગ્રાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રાન્ટનું મુલ્ય ગયા વર્ષે £ 86.3 મીલીયન હતું.
આ ગ્રાન્ટનો ઉપયોગ રાજવી પરિવારની વિવિધ કાર્યક્રમોમાં હાજરી અને શાહી મહેલોની દેખરેખ માટે થાય છે. શાહી ભંડોળમાં જતા ક્રાઉન એસ્ટેટના નફાની આ ટકાવારીની સમીક્ષા હાલમાં ટ્રેઝરી સાથે ચાલી રહી છે જે અંગે થોડા મહિનામાં નિર્ણય લેવાશે. પ્રિવી પર્સના કીપર સર માઈકલ સ્ટીવન્સે વડા પ્રધાન અને ચાન્સેલરને પત્ર લખીને “યોગ્ય ઘટાડો” કરવાની દરખાસ્ત કરી છે.