ગોકુલધામ-નાર ખાતે તાજેતરમાં શ્રીજી ઐશ્વર્યધામનો તૃતીય પાટોત્સવ અને અનાથ દીકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં વિધવા-ત્યક્તા બહેનોને સિલાઇ મશીન, દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવી હતી અને કપાયેલા હાથ-પગ વાળાને કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો, મહેમાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પુરાણી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સારંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી,વડતાલના કોઠારી સંત વલ્લભસ્વામીએ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમારંભમાં વિપુલભાઇ પટેલ, મહેશભાઇ પૂજારા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સુનીલભાઇ મહેતાએ સંબોધન કર્યું હતું. દાતા પરિવારનું મૂર્તિ અને શાલ આપી સંતોએ સન્માન કરાયું હતું. દાતા પરિવારની મહિલાઓનું સાંખ્યયોગી ગીતાબા-રાધાબાએ સન્માન કર્યું હતું. કપાયેલ હાથ-પગવાળા 103 લાભાર્થીઓને Hi-Tech Prosthetic (કૃત્રિમ હાથ-પગ) વર્જીનીયા બીચ-અમેરિકાના સહકારથી બેસાડી આપવામાં આવ્યા છે. પૂ. શુકદેવ સ્વામી, પૂ. હરિકેશવસ્વામી, હરિકૃષ્ણસ્વામી આ વિસ્તારના છેવાડાના માણસની હંમેશા સેવા કરે છે. પછાત ગામ્ય વિસ્તારમાં યુવતિઓ માટે 3,40,000 સેનીટરી પેડનું વિતરણ સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી થયું હતું. અંતમાં આભાર દર્શન મનુભાઇ રાઠોડે અને સભા સંચાલન ભાનુભાઇ પટેલે કર્યું હતું.