ચાર્લટન, સાઉથ ઈસ્ટ લંડનના મંજિન્દર વિરડીએ 20 મહિનાના સમયગાળામાં લંડનના પોપ્લર સ્થિત ચેરિટીમાંથી £200,000 કરતાં વધુ રકમની ઉચાપત કરતા સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે તેને દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.
મંજિન્દર વિરડી (ઉ.વ. 37) ચેરિટી માટે ફાઇનાન્સીયલ ઓફિસર તરીકે કામ કરતા હતા અને ધીમે ધીમે તે રકમ પોતાના અંગત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. સ્ટાફના અન્ય સભ્યને ચેરિટીના બેન્ક ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવા અંગે બેંકમાંથી ઈમેલ મળ્યા બાદ ચેરિટીના વાઇસ પ્રેસિડેન્ટને ઉચાપતની જાણ થઇ હતી. જેમણે પોલીસને કંપની બિલ્ડિંગમાં બોલાવાતા મે 2019માં વિરડીની અટકાયત અને પછી ધરપકડ કરાઇ હતી.
વિરડી પાસે ચેરિટીના બેંક અને પેપાલ એકાઉન્ટ્સનો ઍક્સેસ હતો જેનો ઉપયોગ કરીને તેણે ઉચાપત કરી હતી. શરૂમાં વિરડીએ દાવો કર્યો હતો કે ઈમેલ કૌભાંડનો ભોગ બન્યા છીએ. પરંતુ પછી તેણે કહ્યું કે ખરેખર કોઈ કપટપૂર્ણ પ્રવૃત્તિ થઈ છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે વિરડીએ જુગારની વેબસાઇટ્સ પર હજારો પાઉન્ડ જમા કરાવ્યા હતા અને ઓનલાઈન જુગારની આદત પૂરી કરવા માટે ચોરેલા પૈસાનો ઉપયોગ કર્યો હતો.