Charandeep Singh outside the church with a box of food for delivery. picture credit: www.robertperry.co.uk Robert Perry

કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને સ્કોટલેન્ડમાં કેટલાય કુટુંબોને 80,000થી વધુ ભોજન અને ખાદ્યપદાર્થો પહોંચાડવા માટે શીખ સમુદાયને ગેલ્વેનાઇઝ કરનાર ગ્લાસગોના સ્વયંસેવક અને સ્કોટિશ ચેમ્બર્સ ઑફ કોમર્સના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ચરણદીપ સિંહને વડા પ્રધાન બોરીસ જ્હોન્સનનો દૈનિક પોઇન્ટ્સ ઑફ લાઇટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ચરણદીપ સિંહે લોકડાઉનની શરૂઆતમાં ‘ધ શીખ ફૂડ બેંક’ ની રચના કરી હતી, જેથી સંવેદનશીલ અને સુરક્ષીત રાખવામાં આવેલા લોકોને મદદ મળી શકે. આ પ્રોજેક્ટ દ્વારા અનાજ-કરિયાણુ અને તૈયાર ભોજનની ડિલિવરી કરાઇ હતી તેમજ અંગ્રેજી અને પંજાબી ભાષાઓમાં ચેક-ઇન ફોન સેવા ઉપલબ્ધ કરાવી સેલ્ફ આઇસોલેશન ભોગવતા લોકોને શોપીંગ કરવામાં મદદ કરાઇ હતી. 50 શીખ સ્વયંસેવકોની મજબૂત ટીમ દ્વારા ગ્લાસગો, એડિનબરા, ડંડી અને એબરડિનમાં ભોજન અને ખાદ્યપદાર્થોની ડિલિવરી કરવામાં આવી હતી.

ચરણદીપને લખેલા અંગત પત્રમાં વડા પ્રધાન બોરીસ જ્હોન્સને કહ્યું હતું કે “હું કોરોનાવાયરસ સામેની લડાઇ દરમ્યાન તમે પૂરા પાડેલા અદભૂત સમર્થન માટે અને શીખ ફૂડ બેંક સાથે સંકળાયેલા દરેકનો આભાર માનવા વ્યક્તિગત રૂપે લખવા માગું છું. તમારી સ્વયંસેવકોની ટીમે હવે ગ્લાસગોના પરિવારોને 80,000 ભોજન અને ખાદ્યપદાર્થો પહોંચાડ્યા તે સાંભળીને હું દંગ રહી ગયો. યુકેના 1470માં પોઇન્ટ્સ ઑફ લાઇટ એવોર્ડ આપતા આનંદ અનુભવું છું.”

ગ્લાસગો સાઉથ વેસ્ટના સાંસદ ક્રિસ સ્ટીફને કહ્યું હતું કે “આ એવોર્ડ ચરણદીપની મહેનત, જુસ્સો અને અન્ય લોકોને મદદ કરવા માટેના સમર્પણ માટે માન્યતા આપે છે. ભોજન અને ફૂડ પાર્સલ પહોંચાડી ગ્લાસગોના લોકો માટે વાસ્તવિક તફાવત ઉભો કર્યો હતો અને ચરણદીપ આપણા બધા માટે પ્રેરણા અને રોલ મોડેલ છે.”

પ્રતિક્રિયા આપતા ચરણદીપે કહ્યું હતું કે “ધ શીખ ફૂડ બેંક”ને વડા પ્રધાન દ્વારા સન્માનિત કરાઇ એ બહુ મોટો લહાવો છે. આ રોગચાળો આપણા બધા માટે કટોકટીનો સમય રહ્યો છે. તેથી જ મેં માર્ચમાં ‘ધ શીખ ફૂડ બેન્ક’ શરૂ કરી ઘણાં સ્વયંસેવકોની મદદથી ખોરાક અને સહાય પ્રદાન કરવાનું અમારું લક્ષ્ય બનાવ્યું છે. આ એવોર્ડ અમારા સ્વયંસેવકોને સમર્પિત છે.”

આ એવોર્ડની શરૂઆત એપ્રિલ 2014 માં કરવામાં આવી હતી, જેથી લોકોના જીવનમાં ફરક લાવનારા વ્યક્તિઓને ઓળખી શકાય. આ એવોર્ડ ખાસ કરીને રોગચાળા વખતે સમુદાયની સેવા કરનારા લોકો પર કેન્દ્રિત છે.