ઈસરોના ચેરમેન કે. સિવને બુધવારે જણાવ્યું કે, સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, અન્ય સ્પેસ પોર્ટના નિર્માણ માટે ભૂમિ અધિગ્રહણનું કામ પ્રાથમિક તબક્કે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્પેસ પોર્ટ તમિલનાડુના તુતુકુડીમાં બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમે ચંદ્રયાન-2 મિશન દરમિયાન ખુબ સારા પ્રયત્નો કર્યા હતા પરંતુ તેને ચંદ્રની સપાટી પર ન ઉતારી શક્યા. જોકે તેનું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. આ ઓર્બિટર આપણને આગામી સાત વર્ષ સુધી વૈજ્ઞાનિક માહિતી આપશે.
તેમણે જણાવ્યું કે, ગગનયાન મિશન માટે 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. દરેક અંતરિક્ષ યાત્રીઓનું પ્રશિક્ષણ આ મહિનાના ત્રીજા સપ્તાહથી શરૂ થશે. ગગનયાન સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે અમારી 25થી વધારે મિશન લોન્ચ કરવાની યોજના છે.
તેમણે જણાવ્યું કે, 2019માં અમારી મુખ્ય રણનીતિ ઈસરોનું વિસ્તરણ કરવાની હતી. અમે ઈચ્છતા હતા કે ઈસરોનું ક્ષૈતિજ વિસ્તરણ થાય. બીજી રણનીતિ હતી કે અમે ક્ષમતાનો વિસ્તાર કરીએ. જ્યારે ત્રીજી રણનીતિ ઈસરોમાં શારીરિક કાર્યોમાં ઘટાડો કરવાની હતી.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદના શિયાળા સત્રમાં આપવામાં આવેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારત 2020માં ચંદ્રયાન-3 લોન્ચ કરશે અને તેનો ખર્ચ ચંદ્રયાન-2 કરતાં ઓછો હશે. તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-2ને નિષ્ફળ કહેવું ખોટી વાત છે. તેનાથી અમને ઘણું શીખવા મળ્યું છે. ચંદ્રની સપાટી પર ઉતરવાનો આ ભારતનો પહેલો પ્રયત્ન હતો. દુનિયાનો કોઈ પણ દેશ પહેલાં પ્રયત્ને આ કામ નથી કરી શક્યું.