તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન બુધવારે ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. જનસેનાના વડા પવન કલ્યાણ અને નાયડુના પુત્ર નારા લોકેશ સહિત 24 નેતાઓએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા તેમજ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ હાજરી આપી હતી.
ચંદ્રબાબુ નાયડુ 1995માં પહેલીવાર આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતાં. તે પછી 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયા બાદ (તેલંગાણા એક અલગ રાજ્ય બન્યું), નાયડુ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા અને 2019 સુધી મુખ્યપ્રધાન પદ સંભાળ્યું હતું આ પછી નાયડુ 2019ની ચૂંટણી હારી ગયા અને 2024 સુધી વિપક્ષના નેતા રહ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી લડી હતી. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધને રાજ્યની 25 માંથી 21 લોકસભા બેઠકો મેળવીને મજબૂત પ્રદર્શન કર્યું હતું. ટીડીપીને 16, ભાજપને ત્રણ અને જનસેના પાર્ટીને બે બેઠકો મળી હતી