તબ્બુ અને મધુર ભંડારકરની બહુચર્ચિત ફિલ્મ ચાંદની બાર બોક્સઓફિસ પર સુપરડુપર હિટ ગઇ હતી. 2001ના વર્ષમાં રિલીઝ થયેલી આ ફિલ્મે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.
આ ફિલ્મે તબ્બુને એક અલગ પ્રકારની અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત કરી હતી. હવે 24 વર્ષ પછી આ ફિલ્મની સીક્વલ બનાવવાની તૈયારી હાથ થઇ રહી છે. 2001માં સ્ક્રિનપ્લે અને ડાયલોગ લખનારા મોહન આઝાદ ચાંદની બાર 2 બનાવવા માગે છે અને તેમણે ડિસેમ્બર 2025માં તેને રિલીઝ કરવાનું આયોજન હાથ ધર્યું છે.
ચાંદની બારનું દિગ્દર્શન મધુર ભંડારકરે કર્યું હતું અને તેના પ્રોડ્યુસર આર. મોહન હતા. આર.મોહન લાંબા સમયથી ‘ચાંદની બાર’ની સીક્વલ બનાવવા માગતા હતા. આ બાબતે ઘણી વખત ચર્ચા થઈ હતી, પરંતુ સ્ટોરી બાબતે કન્ફ્યુઝન હતું. જોકે, સીક્વલ માટે અદભુત સ્ટોરી મળી હોવાનો દાવો થઇ રહ્યો છે. આગામી વર્ષે સીક્વલને પણ ‘ચાંદની બાર’ જેવી જ સફળતા મળશે તેવો વિશ્વાસ છે.
ચાંદની બારમાં તબ્બુ મુખ્ય ભૂમિકામાં હતી. તબ્બુને ઘણી સીક્વલમાં રીપિટ કરવામાં આવી છે અને 24 વર્ષ બાદ ચાંદની બાર 2 આવશે ત્યારે તેમાં તબ્બુના સમાવેશ અંગે હજુ સ્પષ્ટતા નથી થઇ. ફિલ્મના કેટલાક કલાકારોને સીક્વલમાં યથાવત રાખવાનું અત્યારે વિચારવામાં આવ્યું છે, પરંતુ તમામ કલાકારોને નક્કી કરવામાં હજુ સમય લાગશે.