Hand touching virus model on dark background

ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. મંગળવારે વધુ બે બાળકોના મોત થયા હતા. સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પાંચ મૃત્યુ નોંધાયાં હતાં. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાંથી કેસ નોંધાયા છે.

ચાંદીપુરા વાઇરસમાં તાવ આવે છે તથા ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (માથાનો દુઃખાવો જોવા મળે છે. તે મચ્છર, બગાઇ અને માટીની માખીઓ દ્વારા ફેલાય છે. જો તેની તાકીદે સારવાર કરવામાં ન આવે તો મોત થઈ શકે છે. તેનો મૃત્યુદર 75% સુધી છે. આ ચેપ 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે.

સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 12 દર્દીઓમાંથી સાબરકાંઠા જિલ્લામાં ચાર, અરવલ્લીમાં ત્રણ તથા મહિસાગર અને ખેડામાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે. બે દર્દી રાજસ્થાનના અને એક મધ્યપ્રદેશના હતા. આ બંને ગુજરાતમાં સારવાર લીધી હતી. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ મૃત્યુ નોંધાયા છે, પરંતુ સેમ્પના ટેસ્ટ પછી જ તે સ્પષ્ટ થશે કે તે ચાંદીપુરા વાયરસના કારણે થયા હતા કે કેમ. સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલના આઠ દર્દીઓ સહિત તમામ 12 સેમ્પલ પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે. હિમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈના રોજ ચાર બાળકોના મૃત્યુ માટે ચાંદીપુરા વાયરસની શંકા દર્શાવી હતી

ચાંદીપુરા વાયરસ ચેપી નથી. જોકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ હાથ ધરવામાં આવી છે. સરકારે 4,487 ઘરોમાં 18,646 વ્યક્તિઓની તપાસ કરી છે.

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી, પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં નોંધાયો હતો. આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે. આ ચેપી રોગ માખી અને મચ્છરના કરડવાથી થાય છે.

LEAVE A REPLY