સંયુક્ત રાષ્ટ્રો સહિતના દેશોની સલાહની અવગણના કરીને રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને યુદ્ધનો પ્રારંભ કરી દીધાના પગલે યુરોપિયન દેશોએ રશિયા સામે કડક પગલાં જાહેર કરી દીધા છે. રમત વિશ્વએ પણ રશિયાની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુરોપિયન ફૂટબોલ સંઘે કલબ ફૂટબોલમાં યુરોપની સર્વોચ્ચ ટુર્નામેન્ટ – ચેમ્પિયન્સ લીગની ફાઈનલ રશિયાના સેંટ પીટર્સબર્ગમાં યોજાવાની હતી, તે રદ કરી ફ્રાન્સના પાટનગર પેરિસમાં રમાડવાની જાહેરાત કરી દીધી છે.
હવે ૨૮મી મે ના રોજ ચેમ્પિયન્સ લીગની ફાઈનલ પેરિસના સ્ટે ડી ફ્રાન્સમાં યોજાશે. યુઈએફએ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટુર્નામેન્ટમાં રમી રહેલી યુક્રેન અને રશિયાની કલબોની મેચો તટસ્થ સ્થળે રમવાનું હાલમાં તો નિશ્ચિત કરાયું છે.
ઈંગ્લિશ પ્રીમિયર લીગની માંચેસ્ટર યુનાઈટેડે તેના પ્રાયોજકોની યાદીમાંથી રશિયન એરલાઈન્સ એરોફ્લોતને પડતી મુકી છે. બ્રિટને આ એરલાઈન્સની ફ્લાઈટ્સ માટે પ્રવેશબંધી જાહેર કર્યા પછી યુનાઈટેડે આ નિર્ણય લીધો હતો.
ફોર્મ્યુલા વન કાર રેસિંગ ચેમ્પિયનશિપના આયોજકોએ પણ રશિયન ગ્રાં પ્રિ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. ચાર વખતના વર્લ્ડ ચેમ્પિયન સેબાસ્ટીયન વેટ્ટલે કહ્યું હતુ કે, રશિયન ગ્રાં પ્રિ યોજાય તો પણ હું તેમાં ભાગ લેવાનો નથી. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મેક્સ વર્સ્ટાપ્પને પણ કહ્યું કે, યુધ્ધમાં સામેલ હોય તેવા દેશમાં કાર રેસિંગનું આયોજન યોગ્ય ન કહેવાય.