રાજસ્થાનના કોટામાં રવિવારે જાન લઇને જઇ રહેલી કાર નદીમાં ખાબકતાં વરરાજા સહિત નવ લોકોના મોત થયા હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જાન બરવાડાથી ઉજ્જૈન જઈ રહી હતી. કાર નયાપુરા પુલ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, ચોથ કા બરવાડાથી ઉજ્જૈન તરફ એક જાન નીકળી હતી. કારમાં 9 લોકો હતા. સાથે જ જાનૈયાઓની એક બસ પણ હતી. બસ આગળ નીકળી ગઈ હતી અને કાર ભટકી ગઇ હતી. આ દરમિયાન કાર નયાપુરા ચંબલ નદીના નાના પુલ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે કારે સંતુલન ગુમાવ્યું હતું અને કાર પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. પોલીસે જણાવ્યું કે, કારની અંદર અવિનાશ નામનો વર પણ હતો. આ કાર ઉજ્જૈન જઈ રહી હતી. જેમાં કેટલાક લોકો ચોથ કા બરવાડા અને કેટલાક જયપુરના સામેલ હતા. જો કે પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
માહિતી અનુસાર, વરરાજા પક્ષના લોકો સવારે 5.30 વાગ્યે ચોથ કા બરવાડાથી ઉજ્જૈન વરધોડો લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન કાર કોટાના નયાપુરા પુલ પરથી ચંબલ નદીમાં પડી ગઇ હતી. કારમાં બેઠેલા લોકોએ કાંચ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શકાયો. જેના કારણે કારમાં સવાર 7 લોકોના મોત થયા, બાકીના 2 લોકોની લાશ નદીમાં દૂર સુધી વહી ગઈ હતી. સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ રાહત કાર્ય શરૂ કરાયું હતું.