જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨થી ૧૬ ફેબ્રુઆરી સુધી મા અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા મા અંબાને પવિત્રતાના પ્રતીક સમી ચામર અર્પણ કરવામાં આવશે. ૫૧ શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર મા અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ ૫૧ શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે. દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં અંબાજીમાં સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમને ચામરમાં રસ પડ્યો હતો અને મા અંબાને ચામર ચડાવવાનો મનોરથ કર્યો હતો.
શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. મા જગદંબાની વિશેષ કૃપા અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સહયોગથી જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીની ચામર અંગે સંશોધન કરાયું હતું. જેમાં જાણવા મળેલ કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સફેદ ચમરી ગાયની પૂછડીના વાળમાંથી ચામર બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.
આથી દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી ૨૦૦ કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી ૪૫,૦૦૦ ગાયો છે. તેમાંથી ફક્ત ૮ ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયની પૂછડીમાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત બે ગાયો જ મળવાપાત્ર છે ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મુંઝવણ વધી ગઈ પરંતુ મા અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો અને હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂછડીના વાળ સંપૂર્ણ સન્માન સાથે લાવ્યા હતા. ત્યારબાદ અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ ૮, ૧૬ અને ૩૨ ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. ૫૧ શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.