સરકાર કોરોનાવાયરસનો પ્રતિસાદ આપવા માટે જરૂરી સંસાધન જરૂરીયાતો માટે પૂરતી તૈયાર નહતી અને સરકારે કેર હોમ્સના જોખમની ગણતરી કરવામાં ભૂલ કરી હતી એમ બ્રિટનના સૌથી મોટા કેર હોમ્સ ઑપરેટર અને વિખ્યાત ડો. ચાઇ પટેલે જણાવ્યું હતું.
કોરોનાવાયરસ ઇમરજન્સીને ખોટી રીતે હેન્ડલ કરવા અને કેર હોમ ઉદ્યોગમાં આર્થિક સંકટ પેદા કરવા માટે સરકાર પર ઉગ્ર હુમલો કરતા એચસી-વનના ચાઇ પટેલે જણાવ્યું હતું કે ‘’કેર હોમ્સના સ્ટાફ અને કેર વર્કર્સ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (PPE) અને ટેસ્ટના અભાવે ખૂબ મોટી મુશ્કેલી ઉભી થઇ હતી જેથી આર્થિક સંકટ ઉભું થયું હતું.
હેલ્થકેર માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ લાઇંગ બાયસનના 2019ના આંકડા અનુસાર તેમનુ જૂથ 348 કેરહોમ ધરાવે છે અને તેનો માર્કેટ શેર 4.8 ટકાનો છે. નાણાકીય દબાણ ભોગવતા એચસી-વને એપ્રિલમાં સરકારને સહાય માટે વિનંતી કરી હતી. સરકારે સ્થાનિક કાઉન્સિલ્સને £3.2 બિલીયનના વધારાના ભંડોળનું વચન આપ્યું છે, જેને એચસી-વને ટેપ કરવા માંગ કરી હતી.
યુગાન્ડામાં જન્મેલા ઉદ્યોગસાહસિક ચાય પટેલનો પરિવાર ભારતથી 1970માં બ્રિટન આવ્યો હતો. ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ મુજબ આજે તેમની સંપત્તિ £212 મિલિયન હોવાનો અંદાજ છે.