અમદાવાદમાં આઈપીએલની ફાઈનલના દિલધડક મુકાબલામાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ માટે પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. વરસાદના વિધ્નના કારણે રવિવારે ફાઈનલ રમી શકાઈ નહોતી અને સોમવારે પણ વરસાદે મેચમાં અધવચ્ચે વિક્ષેપ કરતાં ડકવર્થ લુઈસનો નિયમ અમલમાં આવ્યો હતો. ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં ચાર વિકેટે 214 કર્યા હતા અને ચેન્નાઈ સામે 215 રનનો ટાર્ગેટ આવ્યો હતો. પણ વરસાદના વિક્ષેપ પછી ચેન્નાઈને 15 ઓવર્સ રમવા મળી હતી, જેમાં વિજય માટે 171 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ધોનીની ટીમે છેલ્લા પાંચ વિકેટ ગુમાવ્યા પછી બોલે ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
ગુજરાત તરફથી સાઈ સુદર્શને 96, રિદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન કર્યા હતા, તો ચેન્નાઈ તરફથી પથિરાણાએ બે તથા જાડેજા – ચાહરે એક-એક વિકેટ લીધી હતી.
મેચમાં બે-ત્રણ વખત પાસું પલટાયું હતું. ચેન્નાઈની ઈનિંગમાં નૂર એહમદે બન્ને ઓપનર્સની વિકેટ લેતા ગુજરાત માટે તકો ઉભી થઈ હતી, તો અંતિમ તબક્કામાં મોહિત શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી, પણ એ પહેલા અંબાતી રાયુડુએ 8 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 19 રન કરી ચેન્નાઈ માટે વિજય સંભવ બનાવ્યો હતો, તો રવિન્દ્ર જાડેજાએ છ બોલમાં 15 કરી, છેલ્લા બે બોલે છગ્ગો અને ચોગ્ગો ફટકારતાં ગુજરાતનો પરાજય થયો હતો. ચેન્નાઈ તરફથી ડેવોન કોન્વેએ 25 બોલમાં 47 અને શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 32 કર્યા હતા.