કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરવાનો ગુરુવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બંને શહેરોમાં દિવસે પણ દર શનિ-રવિવારે તમામ મોલ અને સિનેમા હોલને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બંને શહેરોમાં અગાઉ કરફ્યૂનો સમયગાળો રાત્રીના 10થી સવારના છ વાગ્યા સુધીનો હતો.
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસની સમીક્ષા અંગે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓની ગુરુવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોવિડ-19 હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરા-મેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા તથા રસીકરણ અંગે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના તમામ મોલ અને સિનેમાગૃહ દર શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. તેમજ અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. 19 માર્ચથી કરફ્યૂનો સમય રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં સામે આવતા સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ હતી. પરિસ્થિને કંટ્રોલમાં લેવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શનિવાર અને રવિવારે શહેરના તમામ મોલ અને સિનેમા હોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુરુવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં ૧,૨૭૬ નવા કેસ નોંધાયા હતા. ૧૨ ડિેસેમ્બર એટલે કે ૯૨ દિવસ બાદ રાજ્યમાં કોરોનાએ ૧૨૦૦ની સપાટી વટાવી હતી. ગુજરાતમાં ગુરુવારે કોરોનાને કારણે ત્રણ વ્યક્તિના મોત પણ થયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ ગ્રામ્ય 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત ગ્રામ્ય 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા હતા.