અમેરિકાની ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન 10,000 કર્મચારીઓની છટણી કરશે તેવી ત્રણ દિવસની અટકળો પછી કંપનીના સીઇઓએ ગુરુવારે તેને પુષ્ટી આપી હતી. એમેઝોન વેબસાઇટ પર પ્રકાશિત આંતરિક મેમોમાં ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી જેસીએ લખ્યું છે કે, “અર્થતંત્રની સ્થિતિ પડકારજનક છે અને અમે છેલ્લા ઘણા વર્ષોથી ઝડપથી ભરતી કરી છે.”
યુએસ મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કંપની અને તેની વિવિધ શાખાઓ લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરશે. જેસીએ આ આંકડાની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે કહ્યું કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આવતા વર્ષની શરૂઆતમાં ચાલુ રહેશે.
પ્રથમ અસરગ્રસ્ત ટીમોમાં કિન્ડલ ઇ-રીડર્સ જેવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસની ટીમોનો સમાવેશ થાય છે. ફિઝિકલ શોપને પણ અસર થશે. જેસ્સીએ કહ્યું કે આશરે 18 મહિનાથી તેઓ સીઇઓ બન્યા છે. આ અમે લીધેલો સૌથી મુશ્કેલ નિર્ણય છે.10,000 કર્મચારીઓનો ઘટાડો કુલ કર્મચારીના આશરે એક ટકા થાય છે. સપ્ટેમ્બરના અંતમાં સુધીમાં વિશ્વભરમાં તેના 1.54 મિલિયન કર્મચારીઓ હતા. તેમાં નાતાલની રજાઓ જેવી વધેલી પ્રવૃત્તિના સમયગાળા દરમિયાન ભરતી કરવામાં આવેલા મોસમી કામદારોની ગણતરી કરવામાં આવતી નથી.
કોરોનાવાયરસ રોગચાળાને કારણે લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા હોવાથી એમેઝોને તેના કર્મચારીઓની સંખ્યા 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી બમણી કરીને બે વર્ષ પછી 1.62 મિલિયન કર્મચારીઓ કરી છે.પરંતુ અર્થતંત્રમાં નરમાઇની સાથે બે અઠવાડિયા પહેલા એમેઝોને ભરતી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. યુએસ રિટેલ જાયન્ટે ત્રીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 9 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.