આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાનો બોર્ડે દાવો કર્યો હતો. આ સાથે આઇપીએલમાં ભાગ લેનારી તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને કોરોન્ટાઇન કરવાનો તથા તેમના કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને થોડા દિવસમાં લેખિત મંજૂરી આવી જશે.સૂત્રોએ જણાવ્યું હતું કે અમને સરકાર તરફથી આગળ વધવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે અને તેના લેખિત પત્રો ટૂંક સમયમાં મળી જશે.
મોટા ભાગની ફ્રેન્ચાઇઝી બીસીસીઆઈના આદેશ બાદ 20મી ઓગસ્ટે યુએઈ જવાની તૈયારી કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ 22મીએ રવાના થશે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે તેના ખેલાડીઓને તેમના હેડક્વાર્ટર પર જ કોરોન્ટાઇન કરવાની યોજના ધરાવે છે.દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલોરે પોતાની ટીમના ખેલાડીઓને પોતાના જ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો છે.
એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ જણાવ્યું હતું કે જો ટીમ જાતે જ પીસીઆર ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ સાથે ટીમ દુબઈ મોકલે તે સારી વાત છે. કોરોનાના બે ટેસ્ટ ફરજિયાત છે અને મોટા ભાગની ફ્રેન્ચાઇઝી કમસે કમ ચાર ટેસ્ટ કરાવીને ભારતથી રવાના થશે.
ખેલાડીઓને પણ તેમના પરિવારજનો સાથે લઈ જવાની મંજૂરી અપાઈ છે પરંતુ તે તમામ કોરનામુક્ત હોવા જોઇએ. જોકે કોઈ ખેલાડી તેમના પરિવારજનોને સાથે લઈ જવા માગતા નથી.એક ખેલાડીએ કહ્યું હતું કે મારે પાંચ વર્ષનો પુત્ર છે અને હું તેને ટ્રાવેલિંગમાં સાથે લઈ જવાનું જોખમ લેવા માગતો નથી. આરોગ્યની સલામતી પ્રાથમિકતા છે.