સોનાના ભાવમાં મોટો વધારો થયો હોવા છતાં વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૩ના કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાની રેકોર્ડ ખરીદી કરી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળા દરમિયાન ખરીદી સુસ્ત પડી હતી, પરંતુ પ્રથમ ક્વાર્ટરમાં ખરીદી એટલી ઊંચી હતી કે રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વની મધ્યસ્થ બેન્કોએ જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન લગભગ ૩૮૭ ટન સોનું ખરીદ્યું હતું.
જૂન 2023ના અંત સુધીમાં, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBC)નો સોનાનો ભંડાર 67.95 મિલિયન ઔંસ (1,926 ટન) પર પહોંચ્યો હતો, જે અગાઉના મહિનાની સરખામણીમાં 680,000 ઔંસનો વધારો દર્શાવે છે. ચીનની સેન્ટ્રલ બેન્કે સતત આઠમાં મહિને સોનાની ખરીદી કરી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, સિંગાપોરની સેન્ટ્રલ બેંકે 68.7 ટન સોનું ખરીદીને વૈશ્વિક ખરીદીનું નેતૃત્વ કર્યું હતું. WGC અનુસાર, ચીન અને સિંગાપોર ઉપરાંત, તુર્કી, ભારત અને EUએ પણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભંડારમાં વધારો કર્યો છે.
એપ્રિલથી જૂનના બીજા ક્વાર્ટર દરમિયાન સોનાની કુલ વૈશ્વિક ખરીદી ૧૦૩ ટન રહી હતી, જે ત્રિમાસિક ધોરણે ૬૪ ટકા અને વાર્ષિક ધોરણે ૩૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે એકંદરે સોનાની માંગ (ઓવર-ધ-કાઉન્ટર વેચાણને બાદ કરતાં) ૬ ટકા ઘટી છે. ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાંથી આઉટફ્લોને કારણે આ કુલ માંગમાં ઘટાડો નોંધાયો છે તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે. ઓવર-ધ-કાઉન્ટર વેચાણ અને સ્ટોક ફ્લો સહિત સોનાની માંગ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૫ ટકા વધીને ૨૪૬૦ ટન રહી છે. બીજા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી નબળી પડવા પાછળ કારણ હતુ સેન્ટ્રલ બેંક ઓફ તુર્કીની ચોખ્ખી વેચવાલી. તુર્કીની સેન્ટ્રલ બેંકે દેશની આર્થિક સ્થિતિને કારણે સોનું વેચવું પડયું હતુ.
વર્ષના પ્રથમ ભાગમાં તુર્કી નેટ રહ્યું છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેના સોનાના ભંડારમાં ૧૦૨ ટનનો ઘટાડો થયો છે. આ સિવાય પ્રથમ છ મહિનામાં વધુ ૭ સેન્ટ્રલ બેંકોના સોનાના ભંડારમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે, જેમાં કઝાકિસ્તાન (૩૮ ટન), ઉઝબેકિસ્તાન (૧૯ ટન), કંબોડિયા (૧૦ ટન), રશિયા (૩ ટન), જર્મની (૨ ટન), ક્રોએશિયા (૨ ટન) અને તાજિકિસ્તાન (૧ ટન)નો સમાવેશ થાય છે.