રામનવમી દરમિયાન પશ્ચિમ બંગાળ અને બિહારમાં થયેલી કોમી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે 6 એપ્રિલે હનુમાન જયંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા રાજ્યોને તાકીદ કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરીને ગૃહ મંત્રાલયે સમાજમાં શાંતિ અને સંવાદિતતામાં ખલેલ પહોંચી શકે તેવા પરિબળો પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે.
ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારી માટે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી છે. સરકારોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તહેવારની ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈપણ પરિબળો પર દેખરેખ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સોમવારની રાત્રી સહિત છેલ્લાં કેટલાંક દિવસોમાં પશ્ચિમ બંગાળના હૂગલી અને હાવડામાં હિંસાની ઘટનાઓ નોંધાઈ છે. હાવડામાં કેટલાંક વાહનો અને દુકાનો આગને હવાલે કરાયા હતા. આ મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના ગવર્નર સી વી આનંદ બોઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સાંપ્રદાયિક હિંસા પર વિગતવાર અહેવાલ માંગ્યો હતો.