અફઘાનિસ્તાની સ્થિતિ અંગે ભારતે બોલાવેલી બેઠકમાં રશિયા, ઇરાન તથા મધ્ય એશિયાના પાંચ દેશોએ અફઘાનિસ્તાન વૈશ્વિક ત્રાસવાદનું સેફ હેવન ન બને તે માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં આઠ દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનમાં મુક્ત અને સર્વસમાવેશી સરકારની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના વડપણ હેઠળ આ દેશોના સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી. ભારતે આ બેઠક માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ બંને દેશો હાજર રહ્યાં ન હતા. આ બેઠકમાં કઝાખસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને યુઝબેકિસ્તાન સહિતના મધ્ય એશિયાના દેશોએ હાજરી આપી હતી.
અફઘાનિસ્તાનની સ્થિતિની સમીક્ષા કરવા ભારતે બોલાયેલી આ સુરક્ષા બેઠકના અંતે આઠ દેશોએ એક ઘોષણાપત્ર જારી કર્યું હતું. જેમાં દ્રઢ નિર્ધારિત કરવામાં આવ્યો હતો કે ત્રાસવાદી પ્રવૃત્તિઓના આશ્રયસ્થાન, ટ્રેનિંગ, પ્લાનિંગ કે નાણાકીય સ્થળ તરીકે અફઘાન જમીનનો ઉપયોગ થવો જોઇએ નહીં.
આ ઘોષણાપત્રમાં અફઘાનિસ્તાનના સાર્વભોમત્વ, એકતા અને અખંડતાનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવાની પણ હાકલ કરવામાં આવી હતી. આ બાબત પાકિસ્તાન માટે આડકતરા સંદેશ સમાન છે.
અફઘાનિસ્તાન અંગેના દિલ્હી રિજનલ સિક્યોરિટી ડાયલોગમાં અફઘાનિસ્તાનની કથળતી જતી સામાજિક-આર્થિક અને માનવીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને અફઘાન લોકોને તાકીદે માનવીય સહાય આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવીય સહાય કોઇપણ અવરોધ વગર સીધી રીતે પૂરી પાડવી જોઇએ. અફઘાનિસ્તાનમાં આ સહાય તમામ વર્ગના લોકોને કોઇપણ ભેદભાવ વગર મળે તે સુનિશ્ચિત કરવું જોઇએ.
રશિયા, ઇરાન અને મધ્ય એશિયાના પાંચ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓ અફઘાનિસ્તાન અંગેની બેઠકના અંતે સાથે મળીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. વડાપ્રધાન સાથેની બેઠકમાં આ અધિકારીઓની બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા પણ હાજર રહ્યાં હતા. આ દેશોના અધિકારીઓએ દિલ્હી રિજનલ સિક્યોરિટી ડાયલોગમાં થયેલી ચર્ચા અંગે મોદીને જાણકારી આપી હતી.
પ્રારંભિક સંબોધનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની તાજેતરની ગતિવિધીઓથી માત્ર અફઘાન લોકો જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને મોટી અસર થશે. ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બેઠકમાં હાજર રહેનારા દેશોએ અફઘાનિસ્તાનની ઊભરતી સ્થિતિની ચર્ચા કરી હતી. ખાસ કરીને સુરક્ષાની સ્થિતિ તથા તેની પ્રાદેશિક અને વૈશ્વિક અસરોના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અફઘાનિસ્તાનની હાલની રાજકીય સ્થિતિ તથા ત્રાસવાદ, કટ્ટરવાદ અને ડ્રગ ટ્રાફિકિંગથી ઊભી થતા જોખમો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત માનવીય સહાયને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.