દેશભરમાં રવિવાર અને સોમવારે રંગોના તહેવાર હોળી-ધુળેટીના તહેવારની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. દેશભરના પ્રખ્યાત મંદિરોમાં સવારથી જ ભક્તો અબીલ-ગુલાલ ઉડાડીની હોળીની ઉજવણી કરી કરી હતી. દેશભરમાં સાંજે હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ ભદ્રકાળના કારણે હોલીકાદહન રાત્રે 11 વાગ્યા પછી જ કરાયું હતું. હોળી પ્રગટતા જ લોકો પાણી, પૂજન સામગ્રી અને ઘાણી-ખજૂર- નારિયળ લઈને તેની પૂજા કરી હતી અને હોળીની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ માંગ્યાં હતા.
યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા ખાતે હોલિકાદહન કરાયું હતું. હોળીના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરજીના લાખો દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં. ગુજરાતભરમાંથી પદયાત્રીઓ પગપાળા ડાકોર પહોંચ્યા હતા. યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજયો હતો. ફાગણી પૂનમ પર ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ છે. ડાકોર મંદિરમાં વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. ભકતો રણછોડજીના દર્શન કરવા દુરદુરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આસુરી શક્તિ પર વિજયનું પર્વ હોળીનું ઉત્તરપ્રદેશના વારાણસી, મથુરા-વૃંદાવનના આ તહેવારોનું વિશેષ મહત્ત્વ છે. અયોધ્યાના રામ મંદિરમાં બિરાજેલા બાળ રામની પણ આ પહેલી હોળી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી લઈને ચેન્નાઈ સુધી હોળીના રંગો રંગતા લોકો દેખાય હતા. મુંબઈના જુહુ બીચ પર લોકોએ રંગો સાથે ડાન્સ કર્યો. આસામના ડિબ્રુગઢમાં લોકોએ હોળીના તહેવારની શરૂઆત પ્રભાતફેરી સાથે કરી હતી.
રવિવારે 24 માર્ચે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પ્રાંગણથી હોળીની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ હોળીના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે લેહમાં સૈનિકો સાથે હોળીની ઉજવણી કરી હતી અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સામનો કરીને દુશ્મનોથી દેશનું રક્ષણ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. સંરક્ષણ પ્રધાને સૈનિકોના કપાળ પર ‘ગુલાલ’થી તિલક કર્યું હતું.