પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના 100મા જન્મવર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નોર્થ અમેરિકામાં BAPS કેન્દ્રોએ તેમના જીવન તથા પરમ શાંતિ પ્રત્યેના તેમના માર્ગદર્શનની ઉજવણી કરવા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. સમગ્ર નોર્થ અમેરિકાના વિવિધ શહેરોમાં 133 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં 160,000થી વધુ ભક્તો સામેલ થયા હતા.
વિશ્વના મહાન આધ્યાત્મિક વડા તરીકે પ્રિય અને આદરણીય પ્રમુખ સ્વામી મહારાજે 65 વર્ષથી વધુ સમય સુધી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા તરીકે સેવા આપી હતી. તેમનું જીવનકાર્ય હંમેશા વ્યક્તિઓના જીવનમાં ઉત્થાન અને આધ્યાત્મિકતાને પ્રેરણા આપવા પર કેન્દ્રિત હતું.
‘પરમ શાંતિ’ કાર્યક્રમોનું આયોજન કરવા માટે તમામ વયના સ્વયંસેવકોએ હજારો કલાક સુધીની પૂર્વતૈયારી કરી હતી. કાર્યક્રમોમાં વાઇબ્રન્ટ ડાન્સ પર્ફોર્મન્સ તેમજ પ્રમુખ સ્વામી મહારાજના પ્રવાસના ઐતિહાસિક ફૂટેજ અને ઑડિયો ક્લિપ્સના આર્કાઇવ્સ દર્શાવવામાં આવ્યા હતા. તેમાં પ્રમુખ સ્વામી મહારાજની ક્ષેત્રના લોકો સાથેની વાતચીત દર્શાવવામાં આવી હતી.
બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકોના પરિપ્રેક્ષ્યમાં જીવનની કસોટીઓ અને વિપત્તિઓની સ્થિતિમાંથી કેવી રીતે પસાર થવું તે અંગેના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમોમાં નમ્રતા, પ્રેમ અને વિશ્વાસ જેવા ગુણોની વાત કરવામાં આવી હતી. આ ગુણોથી પ્રમુખ સ્વામી મહારાજે ‘પરમ શાંતિ’ મૂર્તિમંત કરી હતી.
કેટલાક ઉપસ્થિતો અને મહેમાનો માટે આ કાર્યક્રમ એક એવા મહાન આત્માનો પરિચય હતો, કે જેમના જીવનમાં આત્મસાત કરવા માટે પુષ્કળ ગુણો મૂર્તિમંત હતા. ભક્તો માટે આ કાર્યક્રમ તેમના પ્રિય ગુરુના જીવન અને સિદ્ધિઓની ઉજવણી હતી.
ન્યૂ યોર્ક સિટીમાં યોજાયેલી ઇવેન્ટની મુખ્ય થીમ્સને યાદ કરતાં મેયર એરિક એડમ્સે કહ્યું હતું કે “તેઓ જીવ્યા હતા, તેવું જીવન જીવવાનો હવે સમય આવી ગયો છે. આપણે નમ્રતા, વિશ્વાસ અને પ્રેમના તેમના જેવા ગુણો હાંસલ કરવા જોઇએ. આપણને તેમણે જે પાઠ આપ્યો છે તે આપણે આપણા બાળકોને આપવો જોઈએ. આપણે તેમની પાસેથી જેવી અપેક્ષા રાખીએ છીએ તેનું આપણે જીવંત ઉદાહરણ બનવું જોઇએ.”
આધ્યાત્મિક માર્ગદર્શન અને નેતૃત્વ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને પૂજાના કેન્દ્રો તરીકે 1,100થી વધુ પરંપરાગત હિન્દુ મંદિરોની સ્થાપના સાથે BAPSની આંતરરાષ્ટ્રીય હાજરી સ્થાપિત કરી હતી. દરેકને આનંદ આપવાના પરમ હેતુ સાથે તેમણે 50થી વધુ દેશોમાં 250,000થી વધુ ઘરોની મુલાકાત લીધી અને 760,000થી વધુ પત્રોના વ્યક્તિગત રૂપે જવાબ આપ્યા હતા. તેમણે હજારો સ્વયંસેવકોને વિશ્વભરના સમુદાયોમાં અસંખ્ય સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રયાસોની ઉજવણીના ભાગરૂપે કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઉપસ્થિતોને વિડિયો સંદેશ દ્વારા અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સમૃદ્ધ જીવનની તથા BAPSના નિર્માણ અને વિકાસ માટે તેમણે કરેલા તમામ કાર્યોની ઉજવણી કરી રહ્યા છીએ. તેમના સમગ્ર જીવન દરમિયાન પૂજ્ય સ્વામીએ કેનેડા અને વિશ્વભરમાં એક છાપ છોડી હતી તથા આજીવન સંદેશ ફેલાવ્યો કે ‘બીજાના આનંદમાં, આપણો પોતાનો આનંદ છે’.”
લોસ એન્જલસમાં કિયા ફોરમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુએસ કોંગ્રેસવુમન યંગ કિમે જણાવ્યું હતું કે “પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમ અને આનંદના સંદેશે BAPS સ્વયંસેવકોને અમારા સમુદાયમાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે મારી ઓફિસ સાથે ભાગીદારી કરવા પ્રેરણા આપી છે. BAPS સાથે ભાગીદારી કરવાનું અને કોંગ્રેસમાં મંદિરનું ગર્વથી પ્રતિનિધિત્વ કરવાનું મને હંમેશા સન્માન મળ્યું છે.”
શતાબ્દી મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા તેમજ મધ્ય પૂર્વ અને ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરના શહેરોમાં યોજાયા છે. અંતિમ ભવ્ય ઉજવણી અમદાવાદ ખાતે 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી થશે. તેમાં ભારત અને વિદેશમાંથી લાખો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. 600 એકરમાં સમગ્ર ઉત્સવ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ નામ આપવામાં આવ્યું છે.