જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે મોદી સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે. બીજી તરફ PDPના વડા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમને અને તેમના પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓને નજરકેદમાં કરાયાં હતાં. નેશનલ કોન્ફરન્સે પણ તેનું મુખ્યાલય નવા-એ-સુબાહને સીલ કરાયું હોવાનો દાવો કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસે 5 ઓગસ્ટે પોતાના વિરોધમાં કાળો દિવસ મનાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ પ્રસંગે હું દેશના લોકો વતી વડાપ્રધાનનો આભાર માનું છું. આ ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે સૌથી મોટું પરિવર્તન એ છે કે હવે જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો પોતાની મરજી મુજબ જીવન જીવી રહ્યા છે. અગાઉ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ અને અલગાવવાદને કારણે વર્ષમાં આશરે 150 દિવસ સ્કૂલો, કોલેજો અને બિઝનેસ બંધ રહેતા હતાં, જેનો હવે અંત આવ્યો છે. શેરી હિંસાનો અંત આવ્યો છે. કાશ્મીરના યુવાનોના સપનાઓને હવે પાંખો મળી છે અને આવનારા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન કોઈથી પણ ઓછું નહીં હોય. જમ્મુ અને કાશ્મીર ટૂંક સમયમાં તેનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવશે જેના માટે તે વિશ્વભરમાં જાણીતું હતું.
શ્રીનગરમાં ભાજપ જાહેરસભા યોજીને કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જ્યારે તેના વિરોધીઓ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને પીડીપીએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. કોંગ્રેસે તેને કાળો દિવસ ગણાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની, જમીનના અધિકારોનું રક્ષણ કરવાની અને સ્થાનિકોને નોકરીઓમાં 100 ટકા અનામતની માંગણી કરી હતી. પીડીપીના કાર્યકરોએ જમ્મુના ગાંધી નગર ખાતે પાર્ટીના મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ રસ્તા પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા.