ભાજપે ગુરુવાર, 6 એપ્રિલ 2023ના રોજ તેના 44 સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીના સંબોધનનું દેશના 10 લાખ સ્થળો પર લાઇવ પ્રસારણ કરાયું હતું.
પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં પક્ષનો ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે પાર્ટીની સફરમાં ભૂમિકા બદલ ભાજપના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. નડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિવસની શુભકામનાઓ. હું કાર્યકર્તાઓને તેમના બલિદાન, સખત પરિશ્રમ અને નિઃસ્વાર્થ સેવા માટે શ્રદ્ધાંજલિ આપું છું જેણે ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે અંત્યોદયના આદર્શો માટે પ્રતિબદ્ધ છે.
અગાઉના જનસંઘના નેતાઓએ જનતા પાર્ટી છોડ્યા બાદ 6 એપ્રિલ, 1980ના રોજ ભાજપની સ્થાપના થઈ હતી.
આ પ્રસંગે પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવા છતાં, આપણે આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી. લોકો પહેલેથી જ કહેવા લાગ્યા છે કે 2024માં ભાજપને કોઈ હરાવી શકશે નહીં. આ સાચું છે, પરંતુ ભાજપના કાર્યકરો તરીકે આપણે દરેક નાગરિકનું દિલ જીતવું પડશે.
કોંગ્રેસના નેતાઓ તાજેતરમાં કરેલા “મોદી તેરી કબર ખુદેગી” સૂત્રોચ્ચારનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે વિપક્ષ હવે સત્તા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યાં છે. “બાદશાહી’ (સામંતવાદી) માનસિકતા ધરાવતા આ લોકો અન્ય લોકો સાથે, ખાસ કરીને ગરીબો અને વંચિતો સાથે ગુલામની જેમ વર્તન કરે છે.
ભાજપ દેશમાં ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને કાયદો અને વ્યવસ્થાના પડકારો સામે લડવા માટે કટિબદ્ધ છે. પાર્ટી ભગવાન હનુમાન પાસેથી પ્રેરણા મેળવે છે, જે તેમની ભક્તિ, શક્તિ અને હિંમત માટે આદરણીય છે.
હનુમાન જયંતિનએ ભગવાન બજરંગ બલીને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ભારત, ભગવાન હનુમાનની જેમ, પડકારો સામે લડવા માટે સજ્જ છે. અમારો પક્ષ હનુમાનજી પાસેથી પ્રેરણા લે છે. અમે ભગવાન હનુમાનની જેમ અઘરા બની શકીએ છીએ, પરંતુ અમે દયાળુ અને નમ્ર પણ છીએ.
તમામ ભ્રષ્ટાચારીઓ પ્રામાણિક PM વિરુદ્ધમાં એકજૂથ થયા છેઃ ભાજપ
સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષની અરજી ફગાવી દીધા પછી ભાજપે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તમામ ભ્રષ્ટાચારીઓ પ્રામાણિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં એકજૂથ થયા છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને કાયદો કોની તરફેણમાં છે. ભ્રષ્ટાચારીઓ માને છે કે તેઓ કાયદા, બંધારણ અને લોકશાહીથી ઉપર છે, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે સામાન્ય માણસથી અલગ વિશેષ કાયદા હોઈ શકે નહીં. જો કોઈ ભ્રષ્ટ નેતાને એવી ગેરસમજ હોય કે તેઓ ભ્રષ્ટાચાર કર્યા પછી છટકી જશે તો તેમણે જાણી લેવું જોઈએ કે મોદી સરકારમાં તે શક્ય નથી. તમે જેલમાં જશો અને તમારી ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવશે.