દેશભરમાં મંગળવાર, 24 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજીને દૈવી શક્તિના વિજયની ઉજવણી કરાઈ હતી. દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં રામલીલા મેદાનમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાવણને બાળતાં પહેલાં તેમણે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપોની આરતી કરી હતી.
હિન્દુ પરંપરામાં રાવણને અહંકારનું પ્રતિક માનવામાં આવે છે અને રાવણ દહન દ્વારા મનના અહંકારનો નાશ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પુતળાઓનું પણ દહન કરાયું હતું અને ભગવાન શ્રી રામનો જય જય કાર કરીને વિજયોત્સવનું પરમ પર્વ ઉજવાયું હતું.
જામનગરમાં સિંધી સમાજે સાંજે પ્રદર્શન મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાવણનું ૪૦ ફૂટનું, કુંભકર્ણનું ૩૫ ફૂટ અને મેઘનાદનું ૩૦ ફૂટનું એમ ત્રણ પુતળાઓનું તીર છોડીને દહન કરાયું હતું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાંજે 60 ફૂટના રાવણનું દહન કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શસ્ત્રપૂજનનો અને લેસર શોનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મોરબીમાં બહુચર બાળ મંડળે દલવાડી સર્કલ પાસે, મશાલની વાડી ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. મોરબી સમસ્ત બ્રહ્મસમાજે નવલખી રોડ પર શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. વિજ્યાદશમીના પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજે પરંપરાગત પોષાક સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે સામુહિક શસ્ત્રપૂજન કર્યું હતું.