ગાઝામાં ભૂલ થયેલા ગોળીબાર ત્રણ બંધકોના મોત પછી ઇઝરાયેલ સરકાર સામે પોતાના દેશના લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને યુરોપના ગાઢ સાથીદારોએ પણ યુદ્ધવિરામની માગણી કરી હતી. ગાઝામાં ઇઝરાયેલના 10 સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી આર્મીએ સફેદ ધ્વજ દર્શાવી રહેલા બંધકો પર ભૂલથી ગોળીબાર કર્યો હતો. ફ્રાન્સ, જર્મની અને બ્રિટને યુદ્ધવિરામની માગણી કરી હતી.
દેખાવકારોએ ગાઝામાં હમાસ સાથે બંધક અંગે નવેસરથી વાટાઘાટો કરવાની માગણી કરી હતી. અમેરિકાએ પણ વધતી જતી નાગરિક જાનહાની અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેથી અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન આ અઠવાડિયે ઇઝરાયેલની મુલાકાતે આવે ત્યારે ઇઝરાયેલ પર તેની લશ્કરી કાર્યવાહીમાં ઘટાડો કરવાનું દબાણ આવી શકે છે.
હવાઈ અને જમીન યુદ્ધે ઉત્તર ગાઝાના મોટા ભાગના વિસ્તારોને બરબાદ કરી નાખ્યાં છે. તેનાથી હજારો નાગરિકોના મોત થયા છે. લગભગ 19 લાખ પેલેસ્ટિનિયન તેમના ઘર છોડીને ભાગી ગયા છે. આ સંખ્યા ગાઝાની વસ્તીની આશરે 85 ટકા છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ હમાસના અંત સુધી લડવાનું ચાલુ રાખશે. નેતન્યાહુએ હજુ પણ કેદમાં રહેલા અંદાજિત 129 બંધકોને પરત લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમિયાન ઇઝરાયેલી મીડિયાના રીપોર્ટમાં જણાવાયું હતું કે ઇઝરાયેલની મોસાદ જાસૂસી સંસ્થાના વડા ડેવિડ બાર્નેએ કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી. કતાર બંધકોને મુદ્દે હમાસ સાથે મંત્રણા કરી રહ્યું છે.
રવિવારે ઇઝરાયેલમાં ફ્રેન્ચ વિદેશ પ્રધાન કેથરિન કોલોનાએ વધુ બંધકોને મુક્ત કરવા ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે બુધવારે રફાહમાં એક ઘર પર ઇઝરાયેલી હુમલામાં તેનો એક કર્મચારી માર્યો ગયો હતો. ફ્રાન્સે ઇઝરાયેલી સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટતાની માગી હતી. યુકે અને જર્મનીના વિદેશ પ્રધાનોએ ટકાઉ યુદ્ધવિરામ માટે હાકલ કરતા કહ્યું હતું કે ઘણા નાગરિકોના મોત થયા છે.