Security CCTV camera
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાઓની સંભાવના અટકાવવાના રક્ષાત્મક પગલારૂપે આઠ મહાનગરોમાં જાહેરસ્થળોએ સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
આ કાયદાનો અમલ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં કરવામાં આવશે.

ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવવા અને પ્રવેશ નિયંત્રણ ફરજિયાત કરવાના નિર્ણયનો અમલથી 1 ઓગસ્ટ-2022ના સોમવારથી જ કરવામાં આવશે.

આ અધિનિયમ અનુસાર એક જ સમયે એક હજાર લોકો ભેગા થતા હોય અથવા તો દિવસ દરમિયાન એક હજાર જેટલા લોકોની અવરજવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ફરજિયાતપણે 30 દિવસ સુધી તેના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે. પીએસઆઈ કે તેનાથી ઉપરના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માગી શકશે.